કાકા કોરોનામાં મૃત્યુ પામતાં ભત્રીજાએ બેંક ખાતામાંથી ૧૧.૬૪ લાખ વાપરી નાંખ્યા
કાકીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી
(પ્રતિનિધિ)અમદાવાદ, છેતરપીંડીનાં કિસ્સા અવારનવાર સામે આવતાં હોય છે. જાેકે શહેરનાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ભત્રીજાએ જ કાકી સાથે છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે. સગા કાકા-કાકીને કોરોનાં થતાં પરિસ્થિતિનો લાભ ઉઠાવી તેણે કાકાનો મોબાઈલ ફોન પોતાની પાસે રાખી લીધો હતો બાદમાં ૧૧.૬૪ લાખ રૂપિયાની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાંખી હતી.
વૃદ્ધા મધુબેન પટેલ તેમનાં પતિ મોહનભાઈ પટેલસાતે આકાશદીપ ડુપ્લેક્ષ, આંબાવાડી, શ્રેયસ ક્રોસીંગ ખાતે રહેતા હતા. તેમનાં બે પુત્રો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલાં છે. જ્યારે મોહનભાઈનાં ભાઈ અરવિંદભાઈ બે પુત્રો મિનેશ તથા રજની સુર્યમ એલીગન્સ ઓઢવ ખાતે રહે છે.
એપ્રિલ મહિનામાં મોહનભાઈને કોરોના થયો હતો. જેમની સારવાર કરાવવા ભત્રીજા મિનેશ અને રજની તેમને સિવિલ ખાતે લઈ ગયા હતા. આ દરમિયાન મધુબેનને પણ કોરોના થતાં સારવાર કરનારું કોઈ ન હોવાથી તે સુરત ખાતે પોતાની બહેનને ત્યાં ગયા હતા. એ દરમિયાન ભત્રીજા મિનેશે કાકા મોહનભાઈનો ફોન પોતાની પાસે રાખી તેમનાં બેંક ખાતામાંથી રૂપિયા ૧૧.૬૪ લાખ અંગત વપરાશ માટે વાપરી નાંખ્યા હતા. બાદમાં ફોન તથા આધારકાર્ડ તેમને પરત આપી દીધા હતા.
મધુબેનને રૂપિયાની જરૂર પડતાં તેમણે બેંકમાં તપાસ કરી હતી. જ્યાં તેમને આ અંગેની જાણ થતાં મિનેશ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. જાેકે તેણે રૂપિયા પરત ન આપતાં છેવટે મધુબેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.