કાગડાપીઠઃ મહિલા સંબંધ રાખવા દબાણ કરતા શખ્સે પેટમાં છરો હુલાવી દીધો
અમદાવાદ: મહિલાઓ સુરક્ષિત ગણાતાં અમદાવાદ શહેરમાં ઘણાં સમયથી મહિલાઓ સાથે અણબનાવનાં કિસ્સા સામે આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં જમાલપુરમાં રહેતી એક મહિલાનાં એક તરફી પ્રેમીએ તેનો પીછો કરી સંબંધ રાખવા કહ્યું હતું. જાેકે બે સંતાનની માતા આ મહિલાએ તેનો ઈન્કાર કરતાં ઊશ્કેરાયેલા શખ્સે તેને પેટમાં છરો મારી દીધો હતો. જેનાં પગલે તે ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે.
કલ્પનાબેન પરમાર ગીતા મંદિર રોડ ખાતે રહે છે. ૩૮ વર્ષીય કલ્પનાબેન પતિ સાથે અણબનાવ થતાં બે પુત્રોને લઈને પિતાના ઘરે રહેતાં હતા. થોેડાં મહિના અગાઊ તે પોતાનાં ટીવીનું રીચાર્જ કરવા બહાર ગયા ત્યારે તેમણે બહેરામપુરા મેલડીમાતાનાં મંદિર નજીક ઊભેલા એક યુવકને રીચાર્જની દુકાન અંગે પૂછતાં તેણે પોતાનાં જ મોબાઈલ ફોનમાંથી રીચાર્જ કરી આપ્યું હતું. અને પોતે કમલેશ ચાવડા બહેરામપુરા રામ રહીમનાં ટેકરા ખાતે રહેતાં હોવાનું કહ્યું હતું.
બાદમાં કમલેશ અવાર નવાર તેમને ફોન કરતો હતો. ઊપરાંત કલ્પનાબેન ઘરની બહાર નીકળે ત્યારે પીછો પણ કરતો હતો. દરમિયાન દોઢ મહિના અગાઊ કલ્પનાબેન ભુલાભાઈ ચાર રસ્તા જતાં હતા ત્યારે કમલેશે તેમને રસ્તામાં અટકાવીને ‘ેહું તને પ્રેમ કરું છું’ તેમ કહ્યું હતું. જાે કે કલ્પનાબેને આવાં બધા ચક્કરમાં ન પડવાનું કહેતા ઊશ્કેરાયેલા કમલેશે પોતાને જાતે જ બ્લેડો મારવા લાગ્યો હતો.
ત્યારબાદ સોમવારે બપોરે સાડા બાર વાગ્યે કલ્પનાબેન ભુલાભાઈ પોલીસ ચોકી પહોંચતા કમલેશે ફરી તેમને આંતરી લીધા હતા અને બંને હાથ પકડીને કલ્પનાબેન કંઈ સમજે એ પહેલાં જ પોતાની પાસેનો છરો તેમનાં પેટમાં હુલાવી દીધો હતો. અને કોઈને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
જેથી ગભરાયેલા કલ્પનાબેને કોઈને આ બાબતે જાણ કરી ન હતી. અને ખાનગી દવાખાનામાં જ ટાંકા લેવડાવ્યા હતાં. જાે કે બીજા દિવસે જ તેમને પેટમાં દુખાવો ઊપડતાં વધુ સારવાર માટે એલજી હોસ્પિટલ લવાયા ત્યારે ડોક્ટરે તેમનાં આંતરડામાં નુકસાન પહોંચ્યું હોવાનું કહ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતાં કલ્પનાબેને સમગ્ર હકીકત પોલીસને જણાવતાં કાગડાપીઠ પોલીસે કમલેશ ચાવડાની અટક કરવા તજવીજ હાથ ધરી છે.