કાજલે શરત પૂરી થયા બાદ ગૌતમ સાથે લગ્ન કર્યા
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ ગૌતમ કીચલૂ સાથે લગ્ન કર્યા છે. ૩૦ ઓક્ટોબરે લગ્ન કર્યા બાદ ગૌતમ અને કાજલ હાલ માલદીવ્સમાં હનીમૂન પર ગયા છે. કાજલ અને ગૌતમ સોશિયલ મીડિયા પર માલદીવ્સના સુંદર નજારા બતાવી રહ્યા છે. સાથે જ ગૌતમ પત્ની કાજલની સુંદર તસવીરો ક્લિક કરી રહ્યો છે. દરેક તસવીરમાં કાજલનો અંદાજ જોવાલાયક છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કાજલ અગ્રવાલે ખુલાસો કર્યો છે કે તેણે ગૌતમ સાથે લગ્ન કરતાં પહેલા એક શરત મૂકી હતી.
જો એ શરત પૂરી ના થઈ હોત તો તેણે લગ્ન ના કર્યા હોત. કાજલ અગ્રવાલે હાલમાં જ એક મેગેઝિનને ઈન્ટરવ્યૂ આપ્યો છે જેમાં તેણે મૂકેલી આ શરત વિશે ખુલાસો કર્યો છે. ગૌતમ કીચલૂ સાથે લગ્ન વિશે વાત કરતાં કાજલ અગ્રવાલે કહ્યું, તેણે મારા માતાપિતા સાથે લગ્નની વાત કરી પછી મેં તેને ચીડાવતા કહ્યું હતું કે, જો તે ઘૂંટણિયે બેસીને પ્રપોઝ નહીં કરે તો હું લગ્ન નહીં કરું. જો કે, પછી ગૌતમે ઘૂંટણિયે બેસીને મને લગ્ન માટે પૂછ્યું હતું. જો કે, કાજલે આ શરત મૂકીને પતિ સાથે હળવી મજાક કરી હતી તેમ પણ જણાવ્યું છે.
કોરોના કાળમાં થયેલા લગ્ન વિશે વાત કરતાં કાજલે કહ્યું, અમારે લગ્નમાં બોલાવવાના મહેમાનોની યાદી ટૂંકી કરવી પડી હતી. જો કે, અમે અમારી ખુશીઓમાં ઓટ ના આવવા દીધી. આ એક પડકાર હતો. અમારે બધા જ મહેમાનોના ટેસ્ટ કરાવવા પડ્યા હતા અને તેમને ક્વોરન્ટીન પણ કર્યા હતા. લગ્ન બાદ કાજલે પતિની સરનેમ નામ પાછળ લગાવી છે તે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
પોતાના નામ પાછળ પતિની અટક લાગ્યા પછી કેવું લાગે છે તે વિશે એક ઈન્ટરવ્યૂમાં કાજલે જણાવ્યું હતું. કાજલ કીચલૂ સાંભળીને કેવી લાગણી અનુભવાય છે તે વિશે વાત કરતાં કાજલે કહ્યું, આ લાગણી અદ્ભૂત છે પરંતુ હું હજી અનુકૂલન સાધી રહી છું. મિસિસ કીચલૂ સંબોધનથી ટેવાઈ રહી રહી છું. જો કે, મને તેનો અવાજ ખૂબ ગમે છે.