કાનના ક્ષતિગ્રસ્ત ભાગોને બાયપાસ કરીને સાંભળી શકાય તે માટે શસ્ત્રક્રિયા રાહતદરે કરે છે, આ સંસ્થા

કોક્લિયર ઇમ્પ્લાન્ટ કાનના ક્ષતિગ્રસ્ત ભાગોને બાયપાસ કરીને સાંભળવાની (શ્રવણ) ચેતાને ધ્વનિ સંકેતો પહોંચાડે છે.
ગુજરાતના જરૂરિયાતમંદ બાળકોમાં જોવા મળતી જન્મજાત ખોડખાંપણ, સેરેબ્રલ પાલ્સી, પ્રીમેચ્યોરિટી ઓફ રેટિનોપેથી, જુવેનાઈલ ડાયાબિટીસ, કરોડરજ્જુની ખામીઓ, બાળકુપોષણ વગેરે આરોગ્યલક્ષી સેવાઓ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન સ્વૈચ્છિક સંસ્થા પૂરી પાડી રહ્યું છે.
છેલ્લા ૩૪ વર્ષમાં અમારી કુશળતા અને આરોગ્યલક્ષી સેવાઓથી પ્રભાવિત થઇ ગુજરાત સરકારે ૨૦૧૫થી અમારી હોસ્પિટલને ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર તરીકે મંજૂરી આપી છે જેમાં 0 થી ૧૮ વર્ષના બાળકોની સારવાર કરવાની હોય છે.
જન્મજાત સાયટોમેગાલો વાયરસનો ચેપ એ સાંભળવાની તકલીફનું સૌથી સામાન્ય બિન-આનુવંશિક કારણ છે. લગભગ ૧૦-૨૧ % જન્મજાત સાંભળવાની તકલીફ જન્મજાત ચેપને કારણે થાય છે.સામાન્ય રીતે દર ૧૦૦૦ બાળકોમાંથી 3 બાળકો અમુક પ્રકારની સાંભળવાની તકલીફ સાથે જન્મે છે.
કોક્લીયર ઈમ્પ્લાન્ટ બહેરા લોકોને અવાજ અને બોલવાની પ્રક્રિયા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. વ્યક્તિ બંને કાનમાં સંપૂર્ણ અથવા લગભગ બહેરી હોવી જોઈએ, કોક્લીયર ઈમ્પ્લાન્ટ એવા લોકો માટે એક વિકલ્પ છે જેમને કાનની અંદરના નુકસાનથી સાંભળવાની તીવ્ર તકલીફ છે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ કાનના ક્ષતિગ્રસ્ત ભાગોને બાયપાસ કરીને સાંભળવાની (શ્રવણ) ચેતાને ધ્વનિ સંકેતો પહોંચાડે છે.
આજે, વિકસિત દેશોમાં બહેરા જન્મેલા ૮0 % બાળકોમાં કોક્લિયર ઉપકરણો લગાવવામાં આવે છે જેના પરિણામે તેમાંથી કેટલાકને સાંભળવાની (શ્રવણ) ચેતાને ધ્વનિ સંકેતો પહોંચે છે, જે તેમને બોલવામાં મદદ કરે છે.
ભારતમાં લગભગ ૨૦ લાખ બહેરા બાળકો છે પરંતુ વિડંબના એ છે કે તેમાં વધુ પડતો ખર્ચ સામેલ હોવાને કારણે તે બહુ લોકોને થઈ શક્યું નથી. કોક્લિયર ઇમ્પ્લાન્ટ શસ્ત્રક્રિયામાં આશરે સરેરાશ ૬ થી ૮ લાખનો ખર્ચ છે અને જે ઇમ્પ્લાન્ટ ઉપર નિર્ભર રહે છે.
બાળકોને ૧૦-૧૨ મહિનાની ઉંમરે કોક્લિયર ઇમ્પ્લાન્ટની શસ્ત્રક્રિયા થઇ શકે છે અને જન્મજાત બહેરા બાળકને 3 વર્ષ પહેલાં જો શક્ય હોય તો વહેલી કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવવી જોઈએ તો પરિણામો સારા મળે. ખર્ચાળ કોક્લિયર ઇમ્પ્લાન્ટ શસ્ત્રક્રિયાને ધ્યાનમાં રાખી રાધામોહન મેહરોત્રા મેડિકલ રિલીફ ટ્રસ્ટ-મુંબઈ દ્વારા ઈમ્પ્લાન્ટ મળે છે જે રૂપિયા પ થી ૬ લાખની કિંમતના હોય છે
અને યુનિસન ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સારવારનો ખર્ચ મળે છે જેના સહયોગથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ચેરીટેબલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે કોકલિયર ઈમ્પ્લાન્ટની શસ્ત્રક્રિયા કરવા માટે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. દર્દીઓને ખૂબ જ રાહતદરે, એક વર્ષની સ્પીચ થેરાપીના ખર્ચ સહિત માત્ર રૂપિયા 65 હજારમાં કોકલિયર ઈમ્પ્લાન્ટની શસ્ત્રક્રિયા કરી આપવામાં આવે છે.
આ સર્જરીઓ મુંબઈના સર્જન ડૉ. મીનેશ જુવેકર અને અમદાવાદના સર્જન ડૉ. નીરજ સુરી દ્વારા સામાજિક જવાબદારીઓ તરીકે વિનામૂલ્યે કરવામાં આવે છે જેના માટે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન તેમનો ખૂબ આભાર માને છે.
જાન્યુઆરી, ૨૦૨૨માં ચાર બાળકોનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે અને અન્ય ૬ બાળકોનું ઓપરેશન પ અને ૬ ફેબ્રુઆરી, ૨૦૨રના રોજ કરવામાં આવશે. લાભાર્થીઓ ગુજરાતના વિવિધ જિલ્લાના છે. અમારા મતે આ પ્રોજેક્ટથી આર્થિકરીતે જરૂરીયાત મંદ દર્દીઓને શસ્ત્રક્રિયાનો લાભ મળશે અને લાભાર્થી બાળકને સામાન્ય અને સન્માનજનક જીવન જીવવામાં મદદરૂપ થશે.