કાનપુરઃ પોલીસની ટીમને રોકનાર JCBથી જ વિકાસ દુબેનું ઘર સરકારે તોડી પાડ્યું
કાનપુરઃ ચૌબેપુરમાં થયેલી અથડામણમાં શહીદ પોલીસકર્મીઓની શહાદતનો બદલો લેવા માટે કાનપુર તંત્રે કુખ્યાત હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનાં ઘરને JCB દ્વારા તોડી પાડ્યું. આ જ JCBથી વિકાસ દુબેએ પોલીસને રોકવાની કોશિશ કરી હતી તેનાથી જ તંત્રએ દુબેનું ઘર તોડવાનું શરૂ કર્યું છે. હાલમાં વિકાસ દુબેની શોધખોળમાં પોલીસની 20 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં ફેલાઇ ગઇ છે. આ તમામ વિસ્તારોમાં વિકાસનો પરિવાર રહે છે.
પોલીસે અત્યાર સુધીમાં આ મામલે પૂછપરછ માટે 12 લોકોની ધરપકડ કરી છે. જેથી ટૂંક સમયમાં જ વિકાસ દુબેને પકડવામાં આવશે. વિકાસ દુબેની નેપાળ ભાગવાની પણ આશંકા છે. તેથી લખીમપુર ખીરી જિલ્લાની પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે.
લખીમપુર ખીરીનાં SP પૂનમે એક ખાનગી ન્યુઝ ચેનલને જણાવ્યું કે “વિકાસ દુબેને લઇને નેપાળ બોર્ડર પર એલર્ટ કરી દેવામાં આવેલ છે. આપણે ત્યાં નેપાળ સાથે જોડાયેલી 120 કિમીની સીમા છે, ચાર પોલીસ સ્ટેશન છે, દરેક જગ્યાએ વિકાસ દુબેનો ફોટો લગાવી દેવામાં આવ્યો છે. SSB નાં અધિકારીઓ સાથે વાત થઇ ગઇ છે. જિલ્લાની બોર્ડર પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.”
આ મામલે પોલીસે મોબાઇલ કોલ ડિટેઇલનાં આધાર પર અનેક લોકોની ધરપકડ કરી લીધી છે. એ તમામ લોકો એવાં છે કે જેઓએ છેલ્લાં 24 કલાકમાં વિકાસ દુબે સાથે વાત કરી હતી. વિકાસ સાથે વાત કરનારા લોકોમાં કેટલાંક પોલીસવાળાનાં નંબર પણ છે. જેથી એવી આશંકા પણ સેવાઇ રહી છે કે જ્યારે પોલીસની ટીમ વિકાસ દુબેની પૂછપરછ માટે નીકળી હતી તો કોઇએ ફોન પર આ વાતની જાણકારી પહેલેથી જ આપી દીધી હતી.
મળતી માહિતી અનુસાર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનનાં એક કોન્સ્ટેબલે વિકાસને પોલીસની આવવાની જાણકારી પહેલેથી જ આપી દીધી હતી. શંકાનાં દાયરામાં એક કોન્સ્ટેબલ, એક સિપાહી અને એક હોમગાર્ડ છે. ત્રણેયની કોલ ટિટેઇલને આધારે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.