કાનપુરથી દવા લેવા આવેલો યુવાન રીક્ષામાં લૂંટાયો
મુસાફરી દરમ્યાન ખિસ્સું કાપી રૂપિયા રપ હજાર ચોરી લીધાઃ રસ્તે રઝળતો યુવાન નરોડા પોલીસ સ્ટેશને પહોંચ્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં રીક્ષાગેંગો સક્રિય થઈ છે. જે સાગરીતો સાથે મળીને મુસાફરોના સ્વાંગમાં રીક્ષામાં નજર ચુકવી ચોરીના ધંધા કરે છે. અને જા તેમાં નિષ્ફળતા મળે તો ગુનેગારો નાગરીકોને ચપ્પુ બતાવીને મારામારી કરી લૂંટી લે છે. આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ખાસ કરીને શહેરના બસ સ્ટોપ, રેલ્વે સ્ટેશન કે એસ.ટી. સ્ટેન્ડ નજીક આવે ગેંગ શિકાર માટે ટાંપીને બેઠા હોય છે.
આ સ્થિતિમાં આયુર્વેદિક દવાનો ધંધો કરતા યુપીનો યુવાન અમદાવાદ ખાતે આવતા મુસાફર બનીને બેઠેલા શખ્સોએ તેની નજર ચુકવી રપ હજારની રોકડ, ચોરી લીધી હતી. ચોરીનો ભોગ બનનાર સંજય સૂર્યનારાયણ તિવારી કાનપુર ઉત્તરપ્રદેશ ખાતે રહે છે. આયુર્વેદિક દવાનો ધંધો કરતા સંજયભાઈ દવા લેવા માટે અવારનવાર વિમાનમાં અમદાવાદ ખાતે આવે છે. મંગળવારે પણ કાનપુરથી અમદાવાદ ફલાઈટ માં આવેલા સંજયભાઈ ‘નરોડા બેઠક ખાતેથી એક ઓટો રીક્ષામાં બેઠા હતા.
૩પ વર્ષીય સંજયભાઈ નાના ચિલોડા ખાતે જઈ રહ્યા હતા. એ દરમ્યાન મુસાફરનો વેશ ધરી અગાઉથી રીક્ષામાં હાજર બે શખ્સો તેમની આસપાસ ગોઠવાઈ ગયા હતા. અને ધક્કામુક્કીનું બહાનું કરી તેમની નજર ચુકવી પેન્ટના ખિસ્સા ઉપર બ્લેડના લીટા મારી રપ હજાર રૂપિયા રોકડા પકડી લીધા હતા. નાના ચિલોડા આવતા સંજયભાઈ રીક્ષામાંથી ઉતરતા જ ડ્રાઈવરે રીક્ષા ભગાવી મુકી હતી. બાદમાં ચોરી અંગે સંજયભાઈને જાણ થતાં તેમણે નરોડા પોલીસ- સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.