Western Times News

Gujarati News

કાપડના વધતા વપરાશે ગંભીર બનાવી ટેક્સટાઇલ વેસ્ટની સમસ્યા

નવીદિલ્હી, ટેક્સટાઇલ વેસ્ટની સમસ્યા દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે. દુનિયાભરમાં પ્રતિવર્ષ ૯.૨ કરોડ ટન જેટલો ઉભો થઇ રહેલો ટેકસટાઇલ વેસ્ટ હવા અને જમીનને પ્રદુષિત કરી રહ્યો છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે દુનિયાના કુલ કાર્બન ઉત્સર્જનમાં ફેશન ઉદ્યોગનો ફાળો ૧૦ ટકા જેટલો મોટો છે.

દુનિયામાં વધતી જતી ફેશન,ઉપભોગતાવાદ અને નીતનવા કપડાની ડિઝાઇનોના કારણે કાપડનો વપરાશ વધતો જાય છે. પહેલાની સરખામણીમાં કપડાનો ઝડપથી નિકાલ કરવામાં આવે છે આથી ટેક્ષટાઇલ કચરો પણ વધતો જાય છે. યુએનના એક અહેવાલ મુજબ દુનિયામાં કાર્બન ઉત્સર્જનમાં ફેશન ઉધોગનો ૧૦ ટકા ફાળો છે. દુનિયામાં દર સેકન્ડે એક ટ્રક કપડાનો કચરો લેન્ડફિલમાં ઠલવાય છે.

ચીન અને બાંગ્લાદેશમાં ઉનના કપડાનું ખૂબ ઉત્પાદન થાય છે. જે કપડાનો ઉપયોગ થયો નથી કે વેચાયા વિના નકામા થઇ ગયા છે કે એવા કપડા યૂરોપ, એશિયા અને અમેરિકા થઇને ચિલી દેશમાં આવે છે. આ કપડાને રિસાઇકલ કરીને લેટિન અમેરિકામાં ફરી વેચવામાં આવે છે.

એક અંદાજ મુજબ દુનિયામાં દર વર્ષે ૯.૨ કરોડ ટન ટેકસટાઇલ કચરો પેદા થાય છે. ૨૦૧૯માં આવેલા એક રિપોર્ટ મુજબ છેલ્લા ૧૫ વર્ષમાં દુનિયામાં કપડાનું ઉત્પાદન ડબલ થયું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દુનિયામાં વપરાતા કુલ પાણીનો ૨૦ ટકા વપરાશ ટેક્ષટાઇલ માટે થાય છે. કપડાનો વધતો જતો ઢગલો હવા અને જમીનને પ્રદુષિત કરે છે.

દુનિયામાં યુએસએ. જર્મની અને બ્રિટન જુના કપડાની નિકાસ કરતા દેશો છે જયારે ઇટલીનો પણ દુનિયાના ?જૂના કપડાની નિકાસ કરતા ૧૦ દેશોમાં સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇટલીમાં દોઢ લાખ ટન જુના કપડા ઉત્પન્ન થયા છે. પાકિસ્તાન,ભારત અને મલેશિયા જુના કપડા ખરીદનારા અગ્રિમ દેશો ગણાય છે.

દર વર્ષે ચિલીમાં ૫૯ હજાર ટન કપડા આવે છે જેમાંથી ૪૦ હજાર ટન અટાકામાના રણમાં કચરો બની જાય છે. પાટનગર સેન્ટિયાગોમાં કપડાના વેપારીઓ કેટલાક કપડા ખરીદી લે છે જયારે મોટા ભાગના રણ વિસ્તારમાં કચરો સમજીને ફેંકી દેવામાં આવે છે આથી આ સ્થળે દુનિયાનો સૌથી મોટો જુના કપડાનો ઢગલો થયો છે.

રેગિસ્તાન વિસ્તારના ગરીબ લોકો અહીં આવીને કપડાના વિશાળ ઢગલામાંથી પોતાના માપના કપડા શોધતા રહે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.