કાબુલઃ શાળાઓમાં 3 બોમ્બબ્લાસ્ટ: 25 બાળકનાં મોત
કાબુલ, અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ શાળાઓને નિશાન બનાવી છે. કાબુલની બે શાળામાં મંગળવારે સવારે બોમ્બબ્લાસ્ટ થયા હતા. ફિદાયીન હુમલાખોરે શાળામાં પોતાની જાતને ઉડાવી દીધી હતી.
આ બોમ્બબ્લાસ્ટમાં અત્યારસુધીમાં શાળાના 25 વિદ્યાર્થીનાં મોત થયાં છે.12 ઘાયલ હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, બોમ્બબ્લાસ્ટ ત્યારે થયો જ્યારે બાળકો શાળાની બહાર જઈ રહ્યાં હતાં.
કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને ટ્વિટર પર જણાવ્યું હતું કે વિસ્ફોટ અબ્દુલ રહીમ શાહિદ હાઈસ્કૂલમાં થયો હતો. ધ વોલ સ્ટ્રીટ જર્નલ માટે અફઘાનિસ્તાન કવર કરતા પત્રકાર અહસાનુલ્લાહ અમીરીએ ટ્વીટ કર્યું કે કાબુલના દશ્ત બારચીમાં એક શાળામાં આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બોમ્બબ્લાસ્ટમાં અનેક લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર બાદ ઈસ્લામિક સ્ટેટ એક્ટિવ થઈ ગયું છે. આ આતંકી સંગઠન શિયા મુસલમોનોને નિશાન બનાવી રહ્યું છે. શિયા મુસલમાનોની મસ્જિદ પર હુમલા કરવામાં આવે છે. જોકે તાલિબાન સરકારનું કહેવું છે કે તેની સરકાર દેશમાં આતંકી હુમલા રોકવા માટે સખતાઈથી કામ કરી રહી છે.