કાબુલ એરપોર્ટ નજીક આત્મઘાતી હુમલોઃ 13થી વધુનાં મોત

કાબુલ, તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડતી જાય છે. ગુરુવારે સાંજે રાજધાની કાબુલમાં મોટી ઘટના બની છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી છે.
અમેરિકાના બે અધિકારીઓએ જણાવ્યું કે, ગુરૂવારે હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો. હુમલો આત્મઘાતી હોય શકે છે. પેન્ટાગોને પણ આ વાતની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ 13થી વધુ લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે. જેમાં કેટલાંક વિદેશી નાગરિક પણ છે.
એક અહેવાલ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને હુમલાની જાણકારી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ અમેરિકી સૈનિક ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એરપોર્ટ પર સતત ફાયરિંગ થતું હોવાની સુચના મળી રહી છે. એક અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં અનેક અફઘાની માર્યા ગયા છે, જ્યારે અનેક ઘાયલ પણ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ કાબુલમાં ઈટાલીના એક વિમાન પર ફાયરિંગ કર્યુ છે. જાણકારી અનુસાર ફાયરિંગ વિમાન ઉડવાની તૈયારીમાં હતું ત્યારે થયું હતું. જોકે રાહતની વાત એ છે કે વિમાનને વધુ નુકસાન થયુ નથી. એક માહિતી અનુસાર વિમાનમાં આશરે 100 અફઘાની નાગરિકો સવાર હતા.