કાયદેસરના મતોની ગણતરી થાય તો જીત નક્કી છે: ટ્રમ્પ
જો બિડેન પ્રવર્તમાન ટ્રેન્ડ મુજબ રાષ્ટ્રપ્રમુખ બનવાની રેસમાં આગળ છે ત્યારે રિપબ્લિકન નેતાનો ગંભીર આરોપ
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દાવો કર્યો છે કે ફક્ત કાયદેસરના મતોની ગણતરી કરવામાં આવે તો તેઓ સરળતાથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજયી બની શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન મંગળવાર યોજાયું હતું અને હજી સુધી પોસ્ટલ પેલેટ મતોની ગણતરી ચાલુ છે.
વર્તમાન ટ્રેન્ડ મુજબ જો બિડેન પ્રેસિડેન્ટ બનવાની રેસમાં આગળ છે. રિપબ્લિકન નેતા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરની ચૂંટણીમાં બિડેને મતોની ચોરી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વ્હાઈટ હાઉસમાં ગુરુવારે એક પત્રકાર પરિષદને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામને તેઓ સુપ્રીમ કોર્ટમાં પડકારશે. મતગણતરીની પ્રક્રિયા સામે તેમણે વાંધો વ્યક્ત કર્યો હતો તેમજ પરિણામો સામે જુદી જુદી કોર્ટોમાં દાવાઓ માંડવાની ચીમકી પણ ટ્રમ્પે ઉચ્ચારી હતી.
જો કે ટ્રમ્પે આ કોન્ફરન્સમાં પત્રકારોનો એકપણ સવાલ લીધો ન હતો. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે ડેમોક્રેટિક પાર્ટીએ છબરડા દ્વારા ૨૦૨૦ની ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી કર્યો છે. ટ્રમ્પે આ અંગેના કોઈ પુરાવા રજૂ કર્યા નહતા. ગુરુવાર રાત સુધી ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનને ૨૫૩ ઈલેક્ટોરલ મત મળ્યા હતા જ્યારે ટ્રમ્પને ૨૧૩ મત મળ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત માટે ૨૭૦ ઈલેક્ટોરલ મતની જરૂર રહે છે.
યુએસના ૫૦ સ્ટેટ્સમાં મળીને કુલ ૫૩૮ ઈલેક્ટોરલ વોટ્સ છે.ટ્રમ્પે વધુમાં દાવો કરતા કહ્યું કે, ફક્ત કાયદેસરના મતોની ગણતરી હાથધરવામાં આવે છે તો હું સરળતાથી ચૂંટણી જીતી શકું છું. જો ગેરકાયદે મતોની ગણતરી થાય છે તો ડેમોક્રેટ્સ આ ચૂંટણી ચોરીથી જીતશે. જ્યોર્જિયા તેમજ પેનસિલ્વેનિયામાં ટ્રમ્પની હારના આંકડા સામે આવ્યા બાદ આ નિવેદન કર્યું હતું. ટ્રમ્પે મોડેથી પડેલા મતોની ગણતરી અટકાવવાની હિમાયત કરી હતી. ટ્રમ્પે મોટાભાગના મહત્વના રાજ્યોમાં પોતાની જીતનો પણ અગાઉ દાવો કર્યો હતો. ટ્રમ્પે પોસ્ટલ બેલેટની ગણતરીને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે મેઈલ-વોટની કોઈપણ અધિકૃતતા વગત ગણતરી કરવામાં આવી છે.
એક અંદાજ મુજબ અમેરિકન્સે ૯.૨ કરોડ મતો મેઈલ- બેલેટથી આપ્યા હતા. ટ્રમ્પે પોતાની વાતને દોહરાવતા કહ્યું કે અમે પ્રામાણિક ચૂંટણી, પ્રામાણિક મતગણતરીની માંગ કરીએ છીએ. અમે દેશ સાથે આવી છેતરપિંડી નહીં થવા દઈએ. દેશ માટે આ બાબત શરમજનક છે. રિપબ્લિકન જીતે કે ડેમોક્રેટ જીતે પરંતુ અમે દેશની ચૂંટણીમાં ચોરીથી જીત નહીં ચલાવી લઈએ. ટ્રમ્પે ચૂંટણી અધિકારીઓ, મીડિયા અને દિગ્ગજ ટેક કંપનીઓ પર ડેમોક્રેટ્સની તરફેણ કરવાન આક્ષેપ કર્યો હતો.SSS