કારંજ પોલીસે ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરનાર વૃદ્ધને ઝડપી વધુ તપાસ હાથ ધરી
૧૯ વર્ષીય વિદ્યાર્થિની કોલેજથી છૂટીને તેના ઘરે જતી હતી ૬૪ વર્ષના વૃદ્ધે બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થિનીની છેડતી, પીછો કર્યાે
કારંજ પોલીસે અગાઉ પણ આવી હરકત કરનારા કૃષ્ણનગરના આરોપી વૃદ્ધની ધરપકડ કરી
અમદાવાદ,
શહેરના ભરચક વિસ્તાર એવા લાલ દરવાજા બસ સ્ટેન્ડ પર જાહેરમાં વિદ્યાર્થિનીની છેડતીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. એક ૧૯ વર્ષીય વિદ્યાર્થિની કોલેજથી છૂટીને તેના ઘરે જતી હતી. બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇ રહી હતી ત્યારે ત્યાં આવેલા એક વૃદ્ધે પહેલા અડપલાં અને ત્યારબાદ પીછો કરીને છેડતી કરી હતી. આ વૃદ્ધને લોકોએ પકડી લીધો હતો. બીજી બાજુ વિદ્યાર્થિનીએ પોલીસ અને તેના પિતાને જાણ કરી હતી. કારંજ પોલીસે છેડતીખોર વૃદ્ધને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં રહેતી એક ૧૯ વર્ષીય યુવતી કારંજ વિસ્તારમાં આવેલી એક કોલેજમાં અભ્યાસ કરે છે. ગત મંગળવારના રોજ તે કોલેજ ગઇ હતી. કોલેજથી છૂટીને તે તેના ઘરે જવા નીકળી હતી. દરમિયાનમાં તે લાલ દરવાજા બસ સ્ટેન્ડ પાસે ઊભી હતી ત્યારે ત્યાં ૬૪ વર્ષીય વૃદ્ધ આવ્યો હતો. આ વૃદ્ધ વિદ્યાર્થિની પાસે આવીને ઊભો હતો.
તેણે વિદ્યાર્થિનીને સ્પર્શ કર્યાે હતો. બાદમાં વિદ્યાર્થિનીએ ઠપકો આપ્યો ત્યારે તેણે પીછો પણ કર્યાે હતો. જેથી વિદ્યાર્થિનીએ તેના મિત્ર અને પિતાને જાણ કરતા તે લોકો પણ આવી પહોંચ્યા હતા. બીજી બાજુ આ મામલે પોલીસને જાણ કરાતા કારંજ પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પોલીસે આરોપી મોહનસ્વરૂપ ગુગલસિંગ શર્મા (ઉ.૬૪, રહે. કૃષ્ણનગર)ને ઝડપી તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપીએ અગાઉ પણ આ રીતની હરકત કરી હતી. જોકે, તે મામલે કોઇ પોલીસ કાર્યવાહી થઇ નહોતી.ss1