કારંજ પોલીસે ૧.૭૦ લાખનાં એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી લીધો

સપ્લાયર શાહઆલમનો શખ્શ ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં યુવાધન દ્વારા ડ્રગ્સનું સેવન ચિંતાજનક હદે વધી રહયુ છે. જેને પગલે તંત્ર ઉપરાંત એસઓજી, ક્રાઈમ ઉપરાંત લોકલ પોલીસ પણ ચિંતિત છે અને યુવાનોને આ બદી તરફ ધકેલતા તત્વો સામે લાલ આંખ કરતા કેટલાય શખ્સોને ડ્રગ્સનો વેપલો કરતા ઝડપી લીધા છે. આ સ્થિતિમાં કારંજ વિસ્તારમાં એક સ્થળે એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમી મળતાં કારંજ પોલીસ સક્રીય થઈ હતી અને રૂા.૧.૭૦ લાખના એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે કારંજ પોલીસના પીએસઆઈ એન.એ.ઠાકોર પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે જાનસાહેબની ગલીમાં એક શખ્સ એમોડી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી જેને આધારે કારંજ પોલીસની ટીમે હોટેલ બાલાસાહેબની ગલીના અંદરના ભાગે દરોડો પાડીને મોઈનખાન ઉર્ફે પાપા મુસ્તાકખાન પઠાણ (જાન સાહેબની ગલી, અહેેમદનાગોરી મસ્જીદ, કારંજ)ને ઝડપી લીધો હતો તેની પાસેથી રૂપિયા ૧.૭૦ લાખની કિંમતનો ૧૭ ગ્રામનો જથ્થો મળ્યો હતો પોલીસે તેની પુછપરછ કરતા મોઈન શાહઆલમ ટોલનાકા નજીક પીરકમલ ચાર રસ્તા ખાતે રહેતા મુજી ઉર્ફે મુઝઝફર નામના શખ્સ પાસેથી આ જથ્થો મેળવ્યો હોવાનું કહેતાં પોલીસે મુજીને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.