કારખાનામાં બાળમજૂરી કરતા ૩૭ને મુક્ત કરાવાયા

પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં કારખાનામાં બાળમજૂરી કરતા ૩૭ બાળકોને મુક્ત કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. મહિલા પોલીસ બાદ સુરક્ષા અને સામાજિક સંસ્થાનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આ ઘટનાનો પર્દાફાશ થયો છે. અમદાવાદના દાણીલીમડામાં આવેલા કપડાના કારખાનામાં બાળ મંજૂરી કરાવાતી હોવાની વાત સામે આવી છે. તમામ બાળકોની ઉમર ૧૨થી ૧૬ વર્ષ હોવાનું માલૂમ પડ્યું છે. આ ઘટનામાં ૧૦ લોકો વિરુદ્ધ ગુનો નોધીને તપાસ શરૂ કરાઈ છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી એક કપડાના કારનાખામાં બાળ મંજૂરી કરી રહેલા ૩૭ બાળકોને મુક્ત કરાયાં છે. આ મામલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી દેવાઈ છે. બચપન બચાઓ આંદોલન, ચાઇલ્ડ લાઇન, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને પોલીસ સહિતની સંસ્થાઓએ એક સંયુક્ત કામગીરી હાથ ધરીને ઘટનાસ્થળોની મુલાકાત લઈ બાળકોને મુક્ત કરાવ્યાં હતાં.
આ ઘટનામાં સામે આવ્યું છે કે આ કામમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિતની જગ્યાએથી બાળકોને લાવવામાં આવતા હતા અને તેમની પાસે કામ કરાવવામાં આવતું હતું. ફરિયાદમાં કહેવાયું છે કે તેમને ૫૦૦૦થી ૧૨૦૦૦ રૂપિયા સુધીનો પગાર ચૂકવાતો હતો. બાળકોને ૧૨ કલાક સુધી કારખાનામાં કામ કરાવડાવવામાં આવતું હોવાનું પણ પોલીસ ફરિયાદમાં કહેવાયું છે. કોરોના વાઇરસની મહામારીના સમયમાં ગુજરાતમાં બાળમજૂરીમાં વધારો થયો હોવાનું અનેક સંસ્થાઓનું કહેવું છે.SSS