Western Times News

Gujarati News

કારગિલ યુધ્ધ વિજયની 22મી વાર્ષિક તિથિએ શહિદોને ગુજરાત N.C.C. કેડેટ્સની અનોખી શ્રધ્ધાંજલી

કારગિલમાં સેવારત સશસ્ત્ર દળો માટે NCC કેડેટ્સ દ્વારા તૈયાર કરાયેલ 30,000 કાર્ડ્સ અમદાવાદ જંકશન થી કારગિલ મોકલવામાં આવ્યા

કારગિલ યુધ્ધના વિજયની આ વર્ષે 22મી વાર્ષિક તીથી છે. દ્રાસ ખાતે બનાવાયેલ કારગિલ યુધ્ધ સ્મારક પર વીર શહીદોને પુષ્પગુચ્છ અર્પણ કરવાની સાથે ગૌરવપૂર્ણ કાર્યક્રમો થકી આ યુધ્ધના શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવશે.

કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા તમામ શહીદોની સ્મૃતિમાં ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા અંદાજે 30,000 કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

NCC કેડેટ્સ દ્વારા જાતે બનાવવામાં આવેલા અંદાજે 30,000 કાર્ડ્સને પશ્ચિમ રેલવેના માધ્યમથી ઉધમપુર સ્થિત ઉત્તરીય કમાન્ડના હેડક્વાર્ટર ખાતે પહોંચાડવા માટે ગુજરાત NCC ગ્રૂપ હેડક્વાર્ટર્સ અમદાવાદના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર નીરવ રાયઝાદાએ વિધિવત રીતે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી 18 જુલાઇ 2021 ના રોજ અમદાવાદથી જમ્મુની ટ્રેન રવાના કરી આગળ ઉધમપુર પહોંચાડવામાં મોકલવામાં આવ્યો છે.

કારગિલ યુદ્ધમાં ભારતના વિજયની 22મી વાર્ષિક તિથિને ધ્યાનમાં રાખીને “કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર” શીર્ષક હેઠળ 03 જુલાઇ 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલા #EkMaiSauKeLiye અભિયાનના પાંચમાં તબક્કાના ભાગરૂપે આ કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, તેમના દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી સંખ્યામાં સંદેશા પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં આપણા સશસ્ત્ર દળોના જવાનોએ પોતાના દેશવાસીઓની સુખાકારી માટે કામ પ્રત્યે કટિબદ્ધતા દાખવીને આપેલા બલિદાન અને તેમના શૌર્ય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

આ કાર્ડ્સ ગમે તેવી વિપરિત પરિસ્થિતિઓમાં પણ સતત રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરનારા શહીદોની સ્મૃતિ તેમજ શસસ્ત્ર દળના જવાનો પ્રત્યે યુવાન કેડેટ્સનો આદરભાવ વ્યક્ત કરવાનું માધ્યમ છે.

21 થી 25 જુલાઇ 2021 દરમિયાન, અંદાજે 30,000 કાર્ડ્સ કારગિલ ક્ષેત્રમાં નિયુક્ત કરવામાં આવેલા તમામ જવાનોને ગુજરાત રાજ્યના લોકો તરફથી કૃતજ્ઞતાની લાગણીના પ્રતિક રૂપે આપવામાં આવશે.

આ કાર્ય કારગિલ યુદ્ધ દરમિયાન સશસ્ત્ર દળોએ આપેલા યોગદાનને બિરદાવવા માટે ગુજરાતના NCC કેડેટ્સના માધ્યમથી ગુજરાત રાજ્યનું આ મોટું યોગદાન રહેશે. આ ઉપરાંત, આ બાબત રાજ્યના યુવાનો અને NCCના કેડેટ્સને ખાસ કરીને ખૂબ જ ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય પ્રસંગે ખૂબ જ લાંબાગાળાની પ્રેરણા આપશે,

તેમજ 1999માં કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા સૈનિકો અને રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરવા માટે હાલમાં તૈનાત કરવામાં આવેલા સૈનિકો પ્રત્યે ગુજરાતના લોકો વતી આદરભાવ વ્યક્ત કરશે, ગુજરાતને કારગિલમાં તૈનાત જવાનો સાથે જોડાયેલું એક રાજ્ય બનાવશે, તેમજ સમગ્ર રાજ્યના યુવાનોને રાષ્ટ્ર નિર્માણના ભાગરૂપે સામાજિક સેવા તેમજ સામુદાયિક વિકાસની જવાબદારીઓ પૂરી કરવા માટે પ્રેરણા આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999 માં મે થી જુલાઇ મહિના દરમિયાન કાશ્મીરના કારગિલ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પર યુદ્ધ થયું હતું. આ યુદ્ધ  દરમિયાન, ભારતીય સૈન્યએ ઓપરેશન વિજય હાથ ધરીને પાકિસ્તાની સૈન્યના ઘુસણખોરોને તગેડી મૂક્યા હતા.ટાઇગર હિલ તેમજ અન્ય પોસ્ટ પર કબજો મેળવીને વિજય પ્રાપ્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.