Western Times News

Gujarati News

કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના NCC બટાલિયન દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

નર્મદા વિકાસ રાજયમંત્રીશ્રી યોગેશ પટેલે એન.સી.સી કેડેટ્‌સને સંબોધિત કર્યા

(માહિતી) વડોદરા, રાષ્ટ્રના સીમાડાઓ અને દેશની સુરક્ષા માટે અડીખમ રહેતા સૈનિકોનો આભાર વ્યક્ત કરવા અને શહીદ વીરોનાં બલિદાનને યાદ કરવા વડોદરાના એન.સી.સી. બટાલિયન ખાતે ૨૨માં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વડોદરાના ૧૦૦ એન.સી.સી. કેડેટ્‌સે રક્તદાન કરી કારગિલ યુધ્ધ દરમિયાન વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

વડોદરા ખાતે યોજાયેલ આ રક્તદાન શિબિરમાં કર્નલ ફલનીકરે એન.સી.સી. કેડેટ્‌સને દેશની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે તેમના અનુભવો અને કારગિલ યુદ્ધની ઝાંખી આપતા કેડેટ્‌સમાં ઉત્સાહ જગાવ્યો હતો. તેમજ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલી આપી હતી.

નર્મદા વિકાસ રાજયમંત્રીશ્રી યોગેશ પટેલે એન.સી.સી. કેડેટ્‌સને સંબોધન કર્યુ હતુ. તેમણે રાષ્ટ્રની સુરક્ષા કાજે શહાદત વહોરતા સૈનિકોના બલિદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આપણા દેશનું યુવાધન ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, દેશની રક્ષા માટે હંમેશા સતર્ક અને એકજૂટ રહેવું આવશ્યક છે.

કારગિલ વિજય દિવસના અવસર પર વધામણી આપી તેમજ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં એન.સી.સી. કેડેટ્‌સનો ઉત્સાહ વધારવા મંત્રીશ્રી યોગેશ પટેલ, એમ.એલ.એ. મનીષા વકીલ, કર્નલ ફલનીકર અને ડૉ. મયંક વ્યાસ અને એન.સી.સી. કેડેટ્‌સ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.