કારચાલકે પીધેલી હાલતમાં પોલીસ પર કાર ચઢાવી દીધી
(હિ.મી.એ),અમદાવાદ : ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન પોલીસ પર હુમલામાં સતત વધારો થતો જાય છે. તેમજ લોકો નિયમો પાળવા જાણે જરૂરી જ નથી સમજતા નથી. આવી ઘણી ઘટનાઓ દિન પ્રતિદિન આપણી સામે બનતી દેખાય છે.
મળતી માહિતી અનુસાર તાજેતરમાં પંચવટી પાંચ રસ્તા પાસે ટ્રાફિકના મહિલા પોલીસ કર્મી પર વાહન ચઢાવી દેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન નિકોલમાં વધુ એક આવી ઘટના બની છે. એક કારચાલકે ડ્રાઈલ કરતી વખતે સીટબેલ્ટ નહોતો પહેર્યો. સીટબેલ્ટ ન હોવાથી તેને પોલીસે રોક્યો હતો. પણ કારચાલક નશામાં ધુત હોવાથી તેણે પોતાની ગાડી પોલીસ પર ચઢાવી દીધી હતી. પોલીસના અન્ય લોકોએ કારચાલકને ઝડપી પાડી નિકોલ પોલીસના હવાલે કર્યો હતો.
પોલીસ તરફથી જાણવા મળ્યા મુજબ આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા અ.હે.કો. મહેશભાઇ ભાણાભાઇ નિકોલ કઠવાડા ચાર રસ્તા પાસે ટ્રાફિક ડ્રાઇવ કરી રહ્યા હતા. ત્યારે ઓઢવ બ્રીજ તરફથી એક કારચાલક આવતો હતો. આ કારચાલકે સીટબેલ્ટ ન પહેર્યો હોવાથી તેને રોક્યો હતો. સ્વીફ્ટ કારચાલકને પોલીસે રોકતા જ તેણે ગાડી હંકારી મૂકી હતી અને ટ્રાફિક પોલીસને પગે ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. અન્ય ટ્રાફિક પોલીસ હાજર હોવાથી આ કારચાલકનો પીછો કરીને તેની કાર રોકી હતી.