કારના કાચ તોડી ચોરી કરતી ટોળકીનાં બે સભ્યો પકડાયાઃ રૂા.૩.૨૫ લાખની રોકડ મળી

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાંચે અલગ અલગ રાજ્યોમાં જઈ એક્સિડન્ટ કર્યુ છે તેમ કહીને વ્યક્તિને વાતોમાં રાખ્યા બાદ કારના કાચ તોડી રોકડ ચોરતી ગેંગના બે સભ્યોને ઝડપી લીધાં છે. અને સવા ત્રણ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી દિલ્હીનાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો એક ગુનો પણ ડિટેક્ટ કર્યાે છે.
પીઆઈ એ.વાય.બલોચની એક ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બે શખ્સો ગેરકાયદેસર રીતે મેળવેલાં નાણાં લઇ કુબેરનગરથી નોબલનગર જવાનાં હોવાની બાતમી મળી હતી. જેને આધારે પીએસઆઈ એસ.બી.દેસાઈએ ટીમ સાથે પંકજ જવાહર માંછરેકર અને નિલેશ ઉર્ફે લીલીયો ફતિયા ભોગેકર, (બંને રહે.ફ્રી કોલોની, સરદારનગર)ને માયા ટોકીઝ નજીકથી ૩.૨૫ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.
રોકડ અંગે પૂછપરછ કરતાં પચીસ દિવસ અગાઉ બંને પોતાનાં સાગરીતો સાથે દીલ્હીના રાણી ગાર્ડન નજીક કાર ચાલકને એક્સીડન્ટ કરેલું છે તેમ કહી રોક્યો હતો. અને વાતોમાં રાખી તેમનાં સાગરીતો કારનો કાચ તોડી ૧૪ લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું કહ્યું હતું.
આ બંને આરોપીઓ પોતાનાં સાગરીતો સાથે મળી અલગ અલગ રાજ્યોનાં જુદાં-જુદાં શહેરોમાં આંગડીયા પેઢી કે મોટી દુકાનોની આસપાસ રેકી કરતાં અને મોટી રકમ કે કિંમતી વસ્તુ લઇ જતાં વ્યક્તિનો પીછો કરીને રોકી કારનાં કાચ તોડી ચોરીઓ કરતાં હતાં.