કારની બોનેટ પર બેસીને દુલ્હન લગ્ન કરવા પહોંચી
પુણે: મહારાષ્ટ્રના પુણેમાં એક દુલ્હન પર તેના લગ્નના દિવસે જ એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસએ ૨૩ વર્ષીય એક દુલ્હન અને કેટલાક અન્ય લોકોની વિરુદ્ધ મોટર વાહન કાયદા હેઠળ એક કેસ નોંધી લીધો છે. આ યુવતી પોતાના વિવાહ સમારોહ સ્થળ જવા દરમિયાન એક ચાલતી એસયૂવીના બોનેટ પર બેઠી હતી
તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ જાણકારી મહારાષ્ટ્રના પુણેમાં પોલીસે મંગળવારે આપી. લોની કાલભોર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, વાહન સાસવડ જઈ રહ્યું હતું, જ્યાં લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યારે વીડિયો સવારે એ સમયે ઉતારવામાં આવ્યો હતો જ્યારે તે વાહન પુણે-સાસવડ રોડ પર ત્યાં દિવે ઘાટ જઈ રહ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દુલ્હન ચાલતા વાહનના બોનેટ પર બેઠી હતી, જ્યારે મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિ વીડિયો ઉતારી રહ્યો હતો. અમે મોટર વાહન અધિનિયમ અને આઇપીસીની કલમો હેઠળ યુવતી, વીડિયોગ્રાફર અને ડ્રાઇવર સહિત વાહનમાં સવાર અન્ય લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે. નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનામાં કોઈએ પણ માસ્ક પહેર્યો નહોતો તેથી પોલીસે કોવિડ ગાઇડલાઇનના ઉલ્લંઘનનો દંડ પણ બધાને ફટકાર્યો છે.