કારેલી ગાંધીઆશ્રમ ખાતે મહિસાગર નદી પર દાંડી પુલ બનાવવા માંગણી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) મહિસાગર નદી પર દાંડી પુલ બનાવવાની માંગણીને લઈ કારેલી ગાંધીઆશ્રમ ખાતે જાગૃત નાગરીકો સહીત કારેલી,કંકાપુરા સરપંચો મહાકાલ સેના,રાજપુત સંગઠનના હોદ્દેદારો દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તેમના સાથીઓ દ્વારા અંગ્રેજાે દ્વારા લાદવામાં આવેલ મીઠાનો કર નાબૂદ કરાવવા સાબરમતીથી દાંડી સુધી કૂચ યોજી હતી.જેમા કંકાપુરા ગામે આવી પહોંચ્યા હતા અને રાત્રી રોકાણ કરી મહિસાગર નદી પાર કરી કારેલી ગામે ૨૦/૩/૧૯૩૦ ના રોજ હાલના ગાંધી આશ્રમ ખાતે આવ્યા હતા.અને રાત્રિ રોકાણ કારેલી ખાતે કર્યું હતું.
ગત વર્ષ ૨૦૦૫ માં દાંડી યાત્રાને ૭૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મંત્રીઓ હોદ્દેદારો નેતાઓ આ દાંડી યાત્રા રૂટ પર ફર્યા હતા અને કંકાપુરની સભામાં કેન્દ્રીય મંત્રી સુનીલ દત્ત,શીલા દીક્ષિત,રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.ત્યારે કંકાપુરાની કાયાપલટ કરવામાં આવશે
અને કંકાપુરા મહિસાગર નદી ઉપર પુલ બનાવવામાં આવશે તેવા વચનો આપવામાં આવ્યા હતા.આટલા વર્ષો ના વહાણા વહી ગયા તેમ છતાંય દાંડી પુલ માટે સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નાઆવતા જનતાને આ વચનો ઠાલા સાબિત થયા હોય
તેમ અનુભૂતિ થતા જાગૃત નાગરીકો મહાકાલ સેના તથા રાજપુત યુવા સેના સહિત કંકાપુરા કારેલી સહિતના સરપંચો દ્વારા અહિંસક આંદોલનનું રણશીંગું ફૂંકાવાના ભણકારા વાગવાના હોય જંબુસર તાલુકાના કારેલી ગાંધીઆશ્રમ ખાતે મીટીંગ યોજાઈ હતી
જેમાં મહિસાગર નદી પર પુલ બનાવવાની માંગ અંગે ચર્ચાઓ હાથ ધરાઈ હતી.મહી નદી પર પુલ બનાવવા અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે જેને ધ્યાને લઈ આગામી સમયમાં અલગ અલગ કાર્યક્રમો આવેદનપત્ર આપવા અને માગણી ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગાંધીજી સાથે સંકળાયેલ સંભારણા રૂપે દાંડી પુલ બનાવવા રાજપૂત યુવા સેના અને મહાકાલ સેનાએ બીડું ઝડપ્યું છે અને તે માટે અલગ અલગ ગામના સરપંચો જાગૃત નાગરિકો એ સમર્થન આપ્યું છે.આગામી ૨૫/૧૧/૨૧ ના રોજ દાંડી પુલ અંતર્ગત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તથા દાંડી પુલ બનાવવા દરેક ધર્મ સમાજના લોકોની જરૂર પડે સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.
કારેલી ખાતે યોજાયેલ મીટીંગમાં કંકાપુરા પાદરાના અગ્રણીઓ કારેલી કંકાપુરા ગામ સરપંચો ગામ આગેવાનો હાજર રહ્યા હતા.