કાર્ડ વગર પ્રવેશ નહી આપતાં સફાઈ કામદારે સિકયુરીટીને બચકાં ભર્યા
ગાર્ડે સિવિલમાં સારવાર લીધા બાદ આનંદનગરમાં ફરીયાદ નોંધાવી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સિકયુરીટી ગાર્ડે ઓળખપત્ર નહી હોવાથી ઓફીસમાં નહી જવા દેતાં એક શખ્સે તેની સાથે મારામારી કરી બચકાં ભરી લીધા હોવાથી ફરીયાદ આનંદનગર પોલીસ સ્ટેશનનાં ચોપડે નોધાઈ છે. ફરીયાદનાં પગલે પોલીસ તુરંત સક્રીય થઈને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
દિનેશભાઈ બેંકરભાઈ દંતાણી (રહે. વેજલપુર) એસ જી હાઈવે ઉપર ક્રાઉન પ્લાઝામાં આવેલી ડીએલબી કંપનીમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આ કંપનીમાં રેગ્યુલર આવતાં જતાં લોકોને ઓફીસમાં પ્રવેશવા માટે આઈકાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. ગઈકાલે સવારે દિનેશભાઈ પોતાની ફરજ પર હાજર હતા.
એ વખતે અસારવા ઈંદાણા બ્રીજ નીચે રહેતો ચંદ્રકાંત માધાભાઈ સોલંકી ઓફીસમાં સફાઈકામ કરવા આવ્યો હતો. જા કે ચંદ્રકાંત પોતાનું આઈકાર્ડ સાથે લાવ્યો ન હતો. અને તેણે દિનેશભાઈને તેમના કાર્ડ દ્વારા ઓફીસમાં પ્રવેશવા માટે કહ્યું હતું.
પરંતુ તેમનાં મેનેજર અનજયસિંહ રાજપુતે તેમ કરવાની ના પાડી હોવાથી દિનેશભાઈએ ચંદ્રકાંતને ના પાડી હતી. જેથી ચંદ્રકાંત ઉશ્કેરાઈ ગયો હતો. અને અંદર કોઈને ફોન કરીને જાણ કરતાં તેમણે દિનેશને ગેટ ખોલવા કહ્યું હતું. જેથી ઓફીસમાં અંદર આવીને ઉશ્કેરાયેલા ચંદ્રકાંતે દિનેશભાઈ સાથે ઝઘડો કરી બિભત્સ ગાળો બોલી હતી.
સામાન્ય બાબતે શરૂ થયેલી આ બબાલ મારામારીમાં પરિણમી હતી. જેથી ઓફીસનો સ્ટાફ તેમને છોડાવવા વચ્ચે પડયો હતો. જા કે ચંદ્રકાંતે દિનેશભાઈનાં હાથ ઉપર તથા આંગળીઓ ઉપર બચકાં ભરી લીધા હતા.
તેમનો હાથ લોહીલુહાણ થઈ ગયો હતો મારામારીની જાણ દિનેશભાઈએ તેમનાં ઉપરી અધિકારીને કર્યા બાદ ૧૦૮ દ્વારા સીવીલ હોસ્પીટલમાં સારવાર લીધી હતી. અને ચંદ્રકાંત વિરૂધ્ધ મારામારીની ફરીયાદ નોંધાવી હતી.