કાર્તિક અને જાન્હવીને લઇને નવી ફિલ્મ બનાવવા તૈયારી
મુંબઇ, કરણ જોહરની ધર્મા પ્રોડક્શન હેઠળ હવે નવી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ માટે કરીના કપુરનુ નામ નક્કી કરવામાં આવી ચુક્યુ છે. કરીના કપુરની સાથે કોઇ મોટા સુપરસ્ટારને લેવા માટે હિલચાલ ચાલી રહી છે. ફિલ્મમાં એક નવી જોડીને પણ ચમકાવવામાં આવનાર છે. જેમાં કાર્તિક આર્યન અને જાન્હવી કપુરનો સમાવેશ થાય છે. આ નવી જોડી યુવા પેઢીની પસંદગીને ધ્યાનમાં લઇને લેવામાં આવી છે. કરીના કપુરની સાથે જામી શકે તેવા મોટા સ્ટારની શોધ ચાલી રહી છે. પહેલા એવી ચર્ચા હતી કે ફિલ્મમાં સિદ્ધાર્થ મલહોત્રાને લેવામાં આવનાર છે.
જો કે હવે આ બાબતને સમર્થન મળી રહ્યુ નથી. કારણ કે કરણ જોહરને શંકા છે કે સિદ્ધાર્થ કરીના કપુરની સાથે સારી રીતે જોડી જમાવી શકશે નહી. ફિલ્મ ધડકમાં નિર્દેશક તરીકે રહેલા શશાંક ખેતાનને મદદ કરનાર રાજ મહેતાને આ ફિલ્મથી મોટી બ્રેક મળી શકે છે. તેઓ ફિલ્મના નિર્દેશક બની શકે છે. બીજી બાજુ સિદ્ધાર્થ મલહોત્રા ટુંક સમયમાં જ એક બાયોપિક ફિલ્મમાં કામ કરનાર છે. તે સ્વર્ગસ્થ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા અદા કરનાર છે. કેપ્ટન બત્રાએ વર્ષ ૧૯૯૯માં કારગીલ યુદ્ધ દરમિયાન ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી.
કારગીલ યુદ્ધ દરમિયાન તેઓ શહીદ થયા હતા. શ્રીદેવીની પુત્રી જાન્હવી હવે ધીમે ધીમે લોકપ્રિય થઇ રહી છે. તેની પાસે સતત નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. જાન્હવી કપુર પોતાની બોલિવુડ કેરિયરને લઇને ભારે આશાવાદી છે. કાર્તિક અને જાન્હવી કપુરની નવી જોડી પોતાની ફિલ્મને લઇને આશાવાદી છે. કરણ જોહર નવી પેઢીની પસંદગીને ધ્યાનમાં લઇને ફિલ્મો બનાવે છે. કાર્તિક અને જાન્હવીની જોડી પ્રથમ વખત જાવા મળનાર છે.