કાર્યકર્તાઓએ ઈતિહાસ બદલવાનું અને નવો ઈતિહાસ રચવાનું કામ કર્યુ – મોહન ડેલકર
(પ્રતિનિધિ) વલસાડ, દાદરા નગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકરે પોતાની ઐતિહાસિક જીતમાં બહુમુલ્ય યોગદાન આપનારા તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરવા માટે સાયલીના એસએસઆર કોલેજની બાજુના મેદાનમા આભારવિધિનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં બુથ કમિટીના હજારો કાર્યકર્તાઓ ઉમટી પડયા હતા, તે તમામનો સાંસદ મોહન ડેલકરે આભાર વ્યકત કરી અભિનંદન આપ્યા હતા.
સાંસદ મોહન ડેલકરે કાર્યકર્તાઓને સાથીઓ તરીકે સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં તમોએ ઈતિહાસ બદલવાનું અને નવો ઈતિહાસ રચવાનું કામ કર્યું છે, આ પ્રદેશમાં એક વાર હારેલો સાંસદ ફરીવાર જીતતા નથી, એવુ કહેનારાઓનું તમે મોઢુ બંધ કરી દીધું છે, સારી નિયત સાથે ઉપાડેલું કાર્ય સફળતા અપાવે છે તે આ ચૂંટણીમાં સાબિત થયું છે, મળેલી તાકાતનો ઉપયોગ હું લોકસભામાં કરીશ અને લોકોનું પણ ધ્યાન આકર્ષિત થાય તેવું કામ કરીશ, દરેકનો વિશ્વાસ જીતવાનું કામ કરીશ, પ્રદેશની સમસ્યાઓ અને વિકાસના મુદ્દાઓને પ્રશાશકથી લઈ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી સમક્ષ તેમજ જરૂર પડયે લોકસભામાં ઉઠાવવામાં આવશે, તેવો વિશ્વાસ સાંસદ મોહનભાઈ ડેલકરે આપ્યો હતો.
આજના આભારવિધિના કાર્યક્રમમાં સાંસદે પોતાના કાર્યકર્તાઓની સાથે ખાસ કરીને પોતાના ધર્મપત્ની કલાબેન ડેલકરની સતત મહેનતની ભરપુર પ્રસંશા કરી હતી, પુત્ર અભિનવ ડેલકરની કામગીરીના પણ વખાણ કર્યા હતા, પોતાની સેન્ટ્રલ કમિટી, બુથ લેવલની સેન્ટ્રલ કમિટી સહિત આ ચૂંટણીમાં નાનું મોટુ યોગદાન આપનારા સમર્થકોની સાથે સાથે લંડનના એનઆઈઆર ગ્રુપ દ્વારા પોતાના સમર્થનમાં કરવામાં આવેલી અપીલ બદલ તેઓનો આભાર વ્યકત કર્યો હતો.*