Western Times News

Gujarati News

કાર ઊંડી ખીણમાં ખાબકતાં માતા, પિતા – પુત્રીનાં મોત

કિન્નોર, હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના યૂલા સંપર્ક રોડ પર બસ સ્ટેન્ડની નજીક મંગળવારે એક કાર ૫૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનામાં પતિ-પત્ની અને દીકરીનું મોત થયું છે. જ્યારે કારમાં લિફ્ટ લેનારી મહિલાનો ગુમ છે.

પોલીસે ખૂબ જ મહેનત બાદ ખીણથી આગળ ડેમ સાઇટથી લાશોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે છોલ્ટૂ હોસ્પિટલ મોકલી આપી. પોલીસ સ્ટેશન ટાપરીના કર્મચારીઓએ કેસ નોંધીને દુર્ઘટનાના કારણોની તપાસ શરુ કરી દીધી છે. મળતી જાણકારી મુજબ, દંપતી દીકરી અને અન્ય મહિલાની સાથે ટાપરી બજારથી પોતાના ઘરે યૂલા તરફ ઓલ્ટો કારમાં જઈ રહ્યા હતા.

અચાનક ગાડી અનિયંત્રિત થઈને રસ્તાથી ૫૦૦ મીટર નીચે ખાબકી ગઈ. દુર્ઘટનામાં ગાડી ચલાવી રહેલા કૃષ્ણ કુમાર (૩૬), તેમની પત્ની કલ્પાવતી (૩૩) અને તેમની દીકરી રવિના (૧૮)નું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મૃતક કૃષ્ણ કુમાર હોમગાર્ડ તરીકે પુહ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. કારમાં લિફ્ટ લેનારી મહિલા ગંગાસરણી (૬૧) હજુ પણ ગુમ છે.

અંધારાના કારણે સર્ચ ઓપરેશન બંધ કરી દેવું પડ્યું હતું. બુધવાર સવારે ફરી તલાશ શરૂ કરી દેવામાં આવી છે. કાર નદીમાં ખાબકી હોવાની જાણ થતાં જ ડીએસપી ભાવાનગર રાજૂની આગેવાનીમાં ટાપરી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કિરણ કુમારી, એએસઆઇ પ્રીતમ, એએસઆઈ રામલાલ અને જિલ્લા પોલીસ સ્પેશલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

એક અન્ય દુર્ઘટનામાં ટાપરી પોલીસ સ્ટેશન નજીક નેશનલ હાઇવે-૫ પર પાગલનાલાની નજીક એક કાર સતલજ નદીમાં ખાબકતાં જૂનિયર એન્જિનિયરનું મોત થયું છે, જ્યારે એક અન્ય મહિલા ગંભીર રીતે ઘાયલ છે. ઓલ્ટો કારમાં સવાર જૂનિયર એન્જિનિયર દિવ્યા મહેતા (૩૦) રામની ગામની રહેવાસી હતી અને અન્ય મહિલા મીના કુમારી ચંગાલ ગામની રહેવાસી હતી.

તેઓ ભાવાનગર એનએચ પ્રાધિકરણ કાર્યાલયથી ટાપરી તરફ જઈ રહ્ય હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન કાર અનિયંત્રિત થઈને રામની ઝૂલા અને પાગલનાલાની વચ્ચે રસ્તાથી ૨૦૦ મીટર નીચે સતલજ નદીના કિનારે જઈને પડી હતી. પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિજનોને સોંપી દીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.