કાર નહીં મળતાં પતિએ પત્ની સાથે સંબંધ બાધવાનું બંધ કર્યું
અમદાવાદ: અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે મેટ્રિમોનિયલ સાઇટ થકી યુવક સાથે તેણે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેના પતિએ ખોટી ડીગ્રી અને દુબઇની કરન્સી પ્રમાણેની આવક બતાવી હતી. લગ્ન પહેલા સાસરિયાઓ તેણીને પ્રિન્સેસ કહીને માન અને પ્રેમથી બોલાવતા હતા. પણ બાદમાં સાસરિયાઓએ પિયરમાંથી બંગલો, મર્સિડીઝ કાર અને આઠ નવ કરોડ રૂપિયા માંગતા તે ન આપતા તેની સાથે ઓરમાયું વર્તન કરવા લાગ્યા હતા.
આટલું જ નહીં પતિએ તો ફિઝિકલ રિલેશન રાખવાનું બંધ કરી દીધું હતું. શહેરના બોપલ રોડ પર રહેતી ૨૮ વર્ષીય યુવતી બે માસથી તેના પિયરમાં રહે છે. આ પહેલા તે દુબઈ અને ગુરુગ્રામ હરિયાણા ખાતે તેના પતિ સાસુ-સસરા સાથે રહેતી હતી. વર્ષ ૨૦૧૯ માં દુબઈ ખાતે એક યુવક સાથે તેના લગ્ન થયા હતા અને ત્યારબાદ તે દુબઈ ખાતે સંયુક્ત પરિવારમાં રહેવા લાગી હતી.
આ યુવતીના લગ્ન મેટ્રિમોનિયલ વેબસાઈટના માધ્યમથી થયા હતા. લગ્ન કર્યા બાદ જ્યારે આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી ત્યારે લગ્નના બીજા દિવસે જ તેના સાસરિયાઓએ તેની સાથે સારી રીતે વાતચીત પણ કરી ન હતી. કારણ કે લગ્ન દરમિયાન યુવતીના પિયર પક્ષ દ્વારા જે વસ્તુઓ આપી હતી તેનાથી તેના સાસરિયાઓ ન ખુશ હતા. યુવતીના સાસરે ઘરના કામકાજ માટે એક નોકર રાખ્યો હતો, જે ઘરના તમામ સભ્યોનું કામકાજ કરતો હતો.
પરંતુ આ યુવતીનું કામ સાસરિયાઓના કહેવાથી કરતો ન હતો. આ દરમિયાન યુવતીને ખબર પડી કે તેના પતિએ મેટ્રોમોનિયલ સાઈટ ઉપર તેની ભણતરની ડીગ્રી તથા દુબઈની કરન્સી પ્રમાણે વાર્ષિક આવક ત્રણેક લાખ દિરહામ બતાવી હતી, જે ખોટી હતી. જેથી આ બાબતે તેના પતિને જાણ કરતાં તેના પતિએ આ બાબતે કંઈ જાણતો નથી તેમ કહી યુવતીને ઉડાઉ જવાબ આપી દીધો હતો.