કાલાપાની, લિમ્પિયાલેખ અને લિપુલેખ પાછાં મેળવીને જંપીશું: નેપાળી વડા પ્રધાન ઓલી
નવી દિલ્હી, નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ રવિવારે એવી ડંફાસ મારી હતી કે કાલાપાની, લિમ્પિયાલેખ અને લિપુલેખ નેપાળના છે. ભારતે પચાવી પાડ્યા છે. અમે આ વિસ્તારો પાછા મેળવીને રહીશું.
14મી જાન્યુઆરીએ નેપાળના વિદેશ પ્રધાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે એની પૂર્વસંધ્યાએ ઓલીએ નેશનલ એસેમ્બલીમાં આવો દાવો કર્યો હતો. સરહદી બાબતે ભારત સાથે અણબનાવ જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ ભારતની મુલાકાતે આવનારા નેપાળના વિદેશ પ્રધાન સૌથી વરિષ્ઠ નેતા છે.
ઓલીએ કહ્યું હતું કે સુગૌલી સંધિ મુજબ મહાકાલી નદીની પૂર્વે આવેલા કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ નેપાળના છે, ભારત સાથે કૂટનૈતિક વાટાઘાટો દ્વારા નેપાળ આ વિસ્તારો પાછા મેળવશે. આપણા વિદેશ પ્રધાન 14મી જાન્યુઆરીએ ભારતના પ્રવાસે જઇ રહ્યા છે. એમની વાટાઘાટોમાં નકશાનો અને આ પ્રદેશો પાછા મેળવવાના મુદ્દાનો પણ સમાવેશ થશે.
અત્રે એ યાદ કરવા જેવું છે કે ગયા વરસે નેપાળે આ ત્રણે વિસ્તારો પોતાના હોય એવું દાખવતો એક વિવાદાસ્પદ નકશો રિલિઝ કર્યો હતો. તાજેતરમાં તેમણે સામ્યવાદી પક્ષ સાથેના પોતાના બગડેલા સંબંધો અને ચીનનો નેપાળની બાબતમાં વધી રહેલો હસ્તક્ષેપ ઘટાડવા સંસદનું વિસર્જન કરી નાખ્યું હતું અને વિપક્ષને સ્તબ્ધ કરી દીધો હતો.
અત્યારે નેપાળના રાજકારણમાં પણ અંદર અંદરની ખેંચતાણ વકરી ચૂકી હોય એવું વાતાવરણ છે ત્યારે લોકોનું ધ્યાન બીજી બાજુ ખેંચવા ઓલી જાતજાતના પગલાં લઇ રહ્યા હતા.