કાલુપુર બાદ હવે જમાલપુરમાંથી બ્રાન્ડેડનાં નામે નકલી વસ્તુઓનો ૩.૩૮ લાખનો જથ્થો જપ્ત
કોપીરાઈટ અધીકારી સાથે હવેલી પોલીસે પાંચ દુકાનો વિરુધ્ધ કાર્યવાહી કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના કાલુપુર અને અન્ય માર્કેટો બાદ હવે જમાલપુરમાંથી બ્રાન્ડેડ વસ્તુઓની ફર્સ્ટ કોપી વેચતા બે વેપારીઓને ત્યાં દરોડા પાડી પોલીસે રૂપિયા ૩.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના મોટા બજારોમાં બ્રાન્ડેડ કંપનીઓની ડુપ્લીકેટ વસ્તુઓ બનાવી વેચાય છે. આ અંગે કંપનીઓનું ધ્યાન જતા છેલ્લા કેટલાંક સમયથી નીકલી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી લાખો રૂપિયાનો માલ સામાન જપ્ત કરવામાં આવી રહયો છે જેમાં વધુ એકનો વધારો થયો છે.
ડીઝની તથા માર્વેલના કોપીરાઈટ અધિકારીને જાણ થતાં તેમણે હવેલી પોલીસને સાથે રાખી જમાલપુરમાં કાચની મસ્જીદ પાસે ન્યુ મ્યુનિસિપલ કવાર્ટસની બાજુમાં આવેલી બેગની પાંચ દુકાનોમાં દરોડા પાડયા હતા અને ડીઝની તથા માર્વેલની નકલી વસ્તુઓનો કુલ રૂપિયા ૩.૩૮ લાખથી વધુનો જથ્થો ઝડપી લીધો હતો અને આ દુકાનોના માલીક તૈસીફ શેખ, અબ્દુલસમદ શેખ, મુસ્તાક શેખ, ઈલ્યાસ શેખ અને તાહીર જામરાવાલા (તમામ રહે. જમાલપુર) વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.