કાલુપુર રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
મજુરી કામ કરતા બંને યુવકો અન્ય રાજયોમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવી અમદાવાદમાં વેચાણ કરવાના હતા |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના સરસપુર અને ગોમતીપુર વિસ્તારમાં રહેતા બે શ્રમિકો યુવકોએ પણ મજુરી કામના બદલે વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો શરૂ કરવા માટે અન્ય રાજયમાંથી ટ્રેન મારફતે બેગમાં વિદેશી દારૂની બોટલો ભરીને આજે સવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉતરતા રેલવે પોલીસે શંકાના આધારે બંનેની અટકાયત કરી તેમનો સામાન ચેક કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે બંનેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દારૂ જુગારના અડ્ડા પર સતત દરોડા પાડવામાં આવી રહયા છે જેના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શહેરમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડાઓ પર પોલીસ અધિકારીઓ ચાંપતી નજર રાખતા જ બુટલેગરો અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી કેટલાક શખ્સો ખાનગી લકઝરી બસો તથા ટ્રેનો મારફતે અન્ય રાજયોમાંથી વિદેશી દારૂનો થોડો જથ્થો ગુજરાતમાં ઘુસાડી હોમ ડીલીવરી કરવા લાગ્યા છે
શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી જામલપરીની ચાલીમાં રહેતા અને છુટક મજુરી કામ કરતા શિવમ ભગવાનભાઈ વાઘેલા તથા ગોમતીપુરમાં રહેતો મનીષ ગુપ્તા નામના બંને મિત્રોએ અન્ય રાજયમાંથી બેગમાં વિદેશી દારૂની બોટલો લાવી અમદાવાદમાં તેનું વેચાણ કરવાનો પ્લાન ઘડયો હતો.
તે મુજબ તેઓ અન્ય રાજયમાં ગયા હતા અને ત્યાંથી બેગમાં વિદેશી દારૂની બોટલો ભરી આજે સવારે પ.૦૦ વાગ્યે અમદાવાદ પરત ફર્યા હતા કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૯ પર શંકાસ્પદ હાલતમાં શિવમ અને મનીષ નજરે પડતાં રેલવે પોલીસના પીએસઆઈ વી.આર. રાઠોડને શંકા ગઈ હતી અને બંને યુવકોને અટકાવી તેમની બેગની તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાંડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
રેલવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પુછપરછ શરૂ કરી છે દારૂ માટે હવે રેલવેનો ઉપયોગ થવા લાગતા રેલવે પોલીસ વધુ સતર્ક બની છે.