કાલુપુર રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત
બીનવારસી પેકેટોમાંથી વિદેશી દારૂની ૫૫ બોટલ મળી આવતી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર સતત એલર્ટ પર છે અને શહેરમાંથી વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવી બુટલેગરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પોલીસની સતર્કતાના કારણે બુટલેગરો અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી રહયા છે. ગુજરાતમાં પ્રવેશતા માર્ગો પર નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહયું છે
આ દરમિયાનમાં શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૮ નજીક સિગ્નલ બોક્ષમાં સંતાડેલી વિદેશી દારૂ ભરેલી પેટીઓ રેલવે પોલીસે પકડી પાડતાં સનસનાટી મચી ગઈ છે આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે રાજયભરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર દ્વારા સક્રિય પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેના પગલે મોટા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે
આ દરમિયાનમાં કેટલાક બુટલેગરોએ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી વિદેશી દારૂની હોમ ડિલીવરી કરવા લાગ્યા છે આ ઉપરાંત અવનવી તરકીબો અજમાવી ગુજરાતમાં દારૂ પણ ઘુસાડી રહયા છે. ડ્રગ માફિયાઓ ગુજરાતમાં નશીલા પદાર્થો ઘુસાડવા માટે ટ્રેનોનો ઉપયોગ કરતા હોય છે પરંતુ હવે બુટલેગરો પણ ટ્રેનો મારફતે દારૂ ઘુસાડતા હોવાની ઘટના સપાટી પર આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર તથા અન્ય રાજયોમાંથી આવતી ટ્રેનોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે આ દરમિયાનમાં કાલુપુર રેલવે સ્ટેશન પર ૮,૯ નંબરના પ્લેટફોર્મ પર સિગ્નલ બોક્ષમાં શંકાસ્પદ પેકેટો પડેલા જાવા મળ્યા હતા જેના પગલે રેલવે પોલીસને શંકા જતા તાત્કાલિક આ પેકેટોનો કબજા લીધો હતો આ પેટીઓ ખોલતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી રેલવે પોલીસે વિદેશી દારૂની બોટલોનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રેલવે પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે.