કાલુપુર રેલવે સ્ટેશન પર ૧૨૬૬૫ના કોરોના ટેસ્ટઃ ૨૦૨ મુસાફર પોઝિટિવ

રાજધાની એક્સપ્રેસમાં એક સપ્તાહ દરમ્યાન ૧૨૬ મુસાફરો કોરોના સંક્રમિત
(પ્રતિનિધિ)અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં કોરોના કહેર વધી રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા શરૂ કરવામાં એન્ટીજન ટેસ્ટના કારણે એક જ પરિવાર, એક જ સોસાયટી તથા એક વોર્ડમાંથી મોટી સંખ્યામાં કોરોના પોઝીટીવ કેસ મળી રહ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા બહારગામથી રોડ તથા ટ્રેન દ્વારા આવતાં નાગરિકોના પણ ટેસ્ટીંગ શરૂ કર્યા છે. છેલ્લા એક સપ્તાહથી કાલુપુર રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ૨૦૦ કરતા વધારે પોઝીટીવ કેસ મળી આવ્યાં છે. કાલુપુર રેલવે સ્ટેશન પર ૧૨ હજાર કરતાં વધુ મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝીટીવ દર્દીઓને સાબરમતીના કોવિડ સેન્ટર પર સારવારર્થે દાખલ કરવામાં આવી રહ્યાં છે.
![]() |
![]() |
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરના તમામ પ્રવેશદ્વારો પર કોરોના ચેક પોસ્ટ તૈયાર કરવામાં આવી છે. રોડ માર્ગથી આવનાર પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ આપવા અંગે નિર્ણય કરવામાં આવે છે. જ્યારે રેલવે માર્ગથી આવનાર પ્રવાસીઓના કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશનની ટીમ દ્વારા સાત સપ્ટેમ્બરે પ્રથમ વખત રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. ૭ સપ્ટે.કાલુપુર સ્ટેશન પર ૧૮૭૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી ૩૩ પ્રવાસીઓ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. રાજધાની એક્સપ્રેસના ૮૨૩ પેસેન્જર પૈકી ૨૬ કોરોના સંક્રમિત હોવાની વિગતો બહાર આવી હતી. ૦૭ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન કરવામાં આવેલા ટેસ્ટીંગ દરમ્યાન ૨૦૨ પોઝીટીવ કેસ મળી આવ્યા હતાં. જે પૈકી રાજધાની એક્સપ્રેસમાંથી જ ૧૨૬ પોઝીટીવ કેસ મળ્યા હતા. જ્યારે ગોરખપુર એક્સપ્રેસમાંથી ૨૮ અને મુઝફ્ફરપુર એક્સપ્રેસના ૩૧ પ્રવાસી કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયું હતું. જ્યારે ૧૩ સપ્ટેમ્બરે હાવરા એક્સપ્રેસના ૪૮૦ પૈકી ૧૭ પ્રવાસીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતાં.
અત્રે નોંધનીય છે કે મ્યુનિ.કોર્પાેરેશને વડોદરા-સુરત તરફથી આવતાં મુસાફરો માટે એક્સપ્રેસ હાઈવે અને અસલાલી ખાતે કોરોના ચેક પોસ્ટ તૈયાર કરી હતી. જ્યારે સૌરાષ્ટ્ર તરફથઈ આવતાં મુસાફરોના ટેસ્ટ માટે સનાથલ પાસે ચેકપોસ્ટ ઉભી કરી હતી. સનાથલ ચેકપોસ્ટ પર ૨૮ હજાર મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ે પૈકી ૨૫૦૦ જેટલા પોઝીટીવ હોવાના દાવા થઈ રહ્યાં છે. જ્યારે ધોળકા-અમદાવાદ રોડ પર બાકરોલ ખાતે કોરોના પોસ્ટ પર ૧૧ હજાર ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે પૈકી ૨૯ પોઝીટીવ મળ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા બહારગામથી આવતા તમામ મુસાફરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના વ્યાપને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં કેસની સંખ્યા વધી રહી છે. નિષ્ણાંતોના મંતવ્ય મુજબ ટેસ્ટની સંખ્યામાં વધારો થયો હોવાથી પોઝીટીવ કેસ વધી રહ્યા છે. ટેસ્ટની સરખામણીમાં માત્ર બે ટકા જેટલા પોઝીટીવ કેસ મળી રહ્યા છે તેમ વધુમાં જણાવ્યું હતું.