કાલુપુર રેલ્વે સ્ટેશન બ્લાસ્ટના વધુ એક આરોપી ૧૪ વર્ષ બાદ ઝડપાયો
એટીએસની વધુ એક સફળતા ઃ બ્લાસ્ટના આરોપીઓને પાકિસ્તાન પહોચવા મદદ કરી હતી
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતના પુર્વ મંત્રીને મારવા આવેલા શાર્પ શુટરને ઝડપનાર એટીએસએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને થયેલા બોમ્બ ધડાકામાં સામેલ વધુ એક આરોપીને પકડી લેવામાં સફળતા મળી છે. પાકી બાતમીને આધારે એટીએસએ આતંકવાદીને બાંગ્લાદેશની બોર્ડર નજીકથી ઝડપી લીધો હતો જેના ઉપર બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકવાદીઓને આશરો આપવા તથા ભગાડવાના આરોપ છે. ૧૪ વર્ષથી નાસતો ફરતો આરોપી ર૦૦૮ના બેગ્લોર બ્લાસ્ટમાં પણ સંડોવાયેલો હોવાની આશંકા છે.
ગુજરાતમાં વર્ષ ર૦૦રમાં થયેલા કોમી રમખાણો બાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકવાદી કૃત્ય કરવા સીમી તથા લશ્કરના સભ્યો મહમદ અસ્લમ ઉર્ફે અસ્લમ કશ્મીરી (જમ્મુ- કાશ્મીર) અબુ ઝુંડાલ તથા ઝુલ્ફીકાર ફૈયાઝ કાઝીએ પ્લાન બનાવ્યો હતો. બાદમાં નેપાળ સ્થિત લશ્કરે તૈયબાનો સંપર્ક કરીને આરડીએક્સ, હેન્ડ ગ્રેનેડ, એકે-૪૭, જેવા ઘાતક હથિયારો મંગાવ્યા હતા જે મુંબઈ પોલીસે ઝડપી લીધા હતા.
આ જ આતંકવાદીઓએ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે વર્ષ ર૦૦૬માં બોમ્બ ધડાકો કર્યો હતો જેમા કેટલાય નાગરીકોને
ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટના બાદ ધડાકામાં સામે લશ્કરના આતંકીઓ ઝુલ્ફીકાર ફૈયાઝ કાઝી તથા સૈયદ ઝબીયુદ્દીન અન્સારી ઉર્ફે અબુ ઝુંડાલને હાલમાં પકડાયેલા અબ્દુલ રઝાક ગાઝી (રહે. દક્ષીણી બાગુંદી, ચોવીસ પરગણા, પ. બંગાળ) એ આશરો આપ્યો હતો તથા બાંગ્લાદેશ બોર્ડર મારફતે પાકિસ્તાન ભાગી જવામાં મદદ કરી હતી.
તપાસમાં અબ્દુલનું નામ બહાર આવતા જ તે ફરાર થઈ ગયો હતો જાેકે કાલુપુર બ્લાસ્ટના આરોપીઓને શોધવા મથતી એટીએસએ છેવટે તેને બાંગ્લાદેશની બોર્ડર નજીકથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે ધડાકામાં સામેલ આમીર શેખ, ઈલીયાસ મેમણ મહંમદ અસલમ તથા સૈયદ ઝબીયુદીન અગાઉથી જ જેલના સળીયા પાછળ છે.