કાલુપુર સ્ટેશને લગાવાયેલા કેમેરા ગુનેગારને ઓળખી એલર્ટ કરશે
રેલવે પોલીસના ચોપડે નોંધાયેલા ક્રિમિનલની ઓળખ CCTV કેમેરા હવે સેકન્ડોમાં કરી લેશે
(એજન્સી) અમદાવાદ, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદનું કાલુપુર ખાતે આવેલું છે જ્યાં રોજ બે લાખ કરતાં વધુ પેસેન્જરોની અવરજવર થાય છે. ૧૯ ફેબ્રુઆરી ૨૦૦૬માં રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થયા બાદ તેને હાઇ સિક્યોરિટી ઝોન ગણવામાં આવે છે.
રેલવે સ્ટેશન પર આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) તેમજ ગુજરાત પોલીસ હોવા છતાંય હજુ પણ ગુનાખોરી અટકવાનું નામ નથી લઇ રહી ત્યારે સીસીટીવીનો સહારો લેવાની નોબત આવી ગઇ છે.
કાલુપુર રેલવે સ્ટેશનને હાઇ ફ્રિકવન્સી તેમજ ફેસ રેકગ્નિશન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. રેલવે પોલીસ ચોપડે નોંધાયેલા તમામ ક્રિમિનલનો ડેટા સીસીટીવી કેમેરામાં રાખવામાં આવશે. જેથી કોણપણ ગુનેગાર ગુનો કરવાના ઇરાદેથી રેલવે સ્ટેશનમાં આવે તો સીસીટીવી કેમેરા તેમને શોધીને આરપીએફને એલર્ટ આપશે.
એક સમયે કાલુપુર રેલવે સ્ટેશન ગુનેગારોનો અડ્ડો કહેવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ પોલીસ અને આરપીએફની ધોંસ વધી તેમ તેમ ગુનેગારો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જાેકે હજુ પણ કેટલાક એવા ગુનેગારો છે જેે ગુનાને અંજામ આપતા એક મિનિટ માટે પણ અચકાતા નથી. કાલુપુર રેલવે સ્ટેશન દારૂ તેમજ ડ્રગ્સની હેરફેર માટે પકડાયેલું છે. અવારનવાર રેલવે સ્ટેશન પરથી ડ્રગ્સ તેમજ દેશ અને વિદેશી દારૂનો જથ્થો રેલવે પોલીસ જપ્ત કરે છે.
દારૂ અને ડ્રગ્સની હેરફેર સિવાય રેલવે સ્ટેશન પર મારામારી, ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા અનેક બનાવો બની રહ્યા છે. પેસેન્જરોનાં સ્વાંગમાં આવતી ચોર ટોળકી ટ્રેનમાં પેસેન્જરોના સરસામાનની ચોરી કરીને નાસી જાય છે જ્યારે ચાલુ ટ્રેનમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પણ બને છે. સ્ટેશન જ્યારે ગુનાખોરીનું હબ બની રહ્યું છે ત્યારે તેમને રોકવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવાઇ છે.
રેલવે સ્ટેશન પર ૫૦ નવા કેમેરાનો ઉમેરા કરાયો ઃ સીસીટીવી કેમેરાનું તમામ મોનિટરિંગ આરપીએપના હાથમાં હોય છે. પ્લેટફોર્મ નંબર ૧થી ૧૦ સુધી તેમજ સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ કલર કુલ ૫૯ હાઇ ફ્રિકન્સીવાળા કેમેરા લગાવેલા હતા ત્યારે હવે તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે.
આરપીએફએ વધુ ૫૦ સીસીટીવી કેમેરા રેલવે સ્ટેશન પર લગાવ્યા છે. જેમાં ૧૨ કેસ રેકગ્નિશન કેમેરા છે. આ કેમેરાની ખાસિયત એ છે કે પોલીસ ચોપડે નોંધાયેલો કોઇ પણ ગુનેગાર જ્યારે રેલવે સ્ટેશન પર એન્ટ્રી મારે ત્યારે આરપીએફને તરત જ જાણ થઇ જાય છે. પાંચ હજાર કરતા વધુ ગુનેગારની જાણકારી તરત જ મળી જશે ઃ
ચોરી, લૂંટ, મારમારી સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા પાંચ હજાર કરતા વધુ આરોપીનો ડેટા રેલવે પાસે છે. વર્ષોથી રેલવે પોલીસ સ્ટેશનમાં જે ગુના થાય છે તેમાં ઝડપાયેલા આરોપીઓની તમામ વિગતો ફોટોગ્રાફ્સ સાથે પેસ રેકગ્નિશન કેમેરાના સોફ્ટવેરમાં નાખવામાં આવશે જેનાથી કોઇપણ આરોપી જ્યારે આવે ત્યારે પોલીસ તેના પર વોચ રાખશે.