Western Times News

Gujarati News

કાલે સૂર્યગ્રહણ રહેશેઃ ધન રાશિમાં છ ગ્રહનો સંયોગ છે

 અમદાવાદ, આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, ભારત સિવાય આ ગ્રહણ એશિયાના કેટલાક દેશ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળશે. ભારતમાં ગ્રહણકાળ ૨.૫૨ કલાકનો રહેશે. સવારે ૮.૦૪ મિનિટે ગ્રહણ શરૂ થશે, ૯.૩૦ વાગ્યે ગ્રહણનો મધ્યકાળ રહેશે અને સવારે ૧૦.૫૬ વાગ્યે ગ્રહણ પૂરું થશે. જ્યારે સૂર્યગ્રહણ થશે, ત્યારે ધન રાશિમાં એકસાથે છ ગ્રહો ઉપસ્થિત રહેશે. આ દિવસે માગશર મહિનાની અમાસ તિથિ રહેશે. ગ્રહણ પછી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે.

આ ગ્રહણ મુંબઈ, બેંગલૂરુ, દિલ્હી, ચેન્નેઈ, મૈસૂર, કન્યાકુમારી સહિત ભારતના અનેક શહેરોમાં પણ જોવા મળશે. ત્યારબાદ સૂર્યગ્રહણ તા.૨૧ જૂન ૨૦૨૦માં થશે, આ ગ્રહણ પણ ભારતમાં જોવા મળશે. આવતીકાલના તા.૨૬ ડિસેમ્બરના સૂર્યગ્રહણ પછી એક રાશિમાં ૬ ગ્રહોની સાથે સૂર્યગ્રહણનો યોગ ૫૫૯ વર્ષ પછી ૨૫૭૮માં સર્જાશે. દરમ્યાન કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના ડો. ગણેશ પ્રસાદ મિશ્રાના મતે, આ દુર્લભ સૂર્યગ્રહણ ૨૯૬ વર્ષ પહેલાં ૭ જાન્યુઆરી ૧૭૩૩ના રોજ થયું હતું.

ત્યારબાદ હવે ગ્રહ-નક્ષત્રોની આવી સ્થિતિ તા.૨૬ ડિસેમ્બરે રહેશે. ૨૯૬ વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે. આ દિવસે મૂળ નક્ષત્રમાં ૪ ગ્રહો રહેશે. તો, ધનરાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શનિ અને કેતૂ રહેશે. આ ૬ ગ્રહો ઉપર રાહુનો પૂર્ણ દ્રષ્ટિ સંબંધ રહેશે. તેમાં બે ગ્રહ અર્થાત્ બુધ અને ગુરુ ગ્રહ અસ્ત રહેશે. આ ગ્રહોની એક રાશિ પહેલાં(વૃશ્ચિકમાં) મંગળ અને એક રાશિ આગળ(મકરમાં) શુક્ર સ્થિત છે. પ. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, તા.૨૬ ડિસેમ્બરે ધન રાશિમાં ૬ ગ્રહોની યુતિની સાથે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે,

આ યોગ ૨૯૬ વર્ષ પછી બન્યો છે. ગુરુવારે સૂર્ય, બુધ, ગુરુ, શનિ, ચંદ્ર અને કેતૂ ધન રાશિમાં રહેશે. રાહુની દ્રષ્ટિ રહેશે, મંગળ વૃશ્ચિકમાં અને શુક્ર મકર રાશિમાં રહેશે. આ પ્રકારે સૂર્યગ્રહણ ૭ જાન્યુઆરી ૧૭૨૩ના રોજ ૨૯૬ વર્ષ પહેલાં થયું હતું. હવે આવો યોગ ૫૫૯ વર્ષ પછી ૯-૧-૨૫૭૮ના રોજ સર્જાશે. એ વખતે સૂર્ય, બુધ, ગુરુ, શનિ, ચંદ્ર અને કેતૂ ધન રાશિમાં રહેશે, રાહુની દ્રષ્ટિ સંબંધની સાથે સૂર્યગ્રહણ થશે. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ મૂળ નક્ષત્ર અને ધન રાશિમાં થશે. ગ્રહણના સમયે સૂર્ય, બુધ, ગુરુ, શનિ, ચંદ્ર અને કેતૂ ધન રાશિમાં એકસાથે રહેશે.

કેતૂના સ્વામિત્વવાળા નક્ષત્ર મૂળમાં ગ્રહણ યોગ અને નવાંશ કે મૂળ કુંડળીમાં કોઈ પ્રકારનો અનિષ્ટ યોગ નહીં હોવાને લીધે પ્રાકૃતિક નુકસાન થવાની શક્યતા નથી. આ વખતે સૂર્યગ્રહણ પહેલાં ચંદ્રગ્રહણ નથી થયું અને આગળ પણ ચંદ્રગ્રહણ નહીં થવાને લીધે પ્રાકૃતિક રીતે મોટા નુકસાન થવાની શક્યતા નથી. ગ્રહણનો પ્રભાવ મૂળ નક્ષત્ર અને ધન રાશિવાળા પર વધુ રહેશે. સૂર્યગ્રહણનો સૂતકકાળ ગ્રહણ પહેલાં ૧૨ કલાક પહેલાં જ માનવામાં આવે છે.

તા.૨૫ ડિસેમ્બરની રાત્રે ૮ વાગ્યાથી સૂતકકાળ શરૂ થઈ જશે, જે ગ્રહણના મોક્ષની સાથે સમાપ્ત થશે. ત્યારબાદ ઘરમાં અને મંદિરોમાં સાફ-સફાઈ કરવાની અને નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. પ્રાચીન સમયમાં સમુદ્ર મંથન થયું હતું. તેમાં દેવતાઓ અને દાનવોએ ભાગ લીધો હતો. જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવ્યું ત્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. તે સમયે રાહુ નામના અસુરે પણ દેવતાઓનો વેશ ધારણ કરીને અમૃતપાન કરી લીધું હતું. ચંદ્ર અને સૂર્યે રાહુને ઓળખી લીધો હતો અને ભગવાન વિષ્ણુને જણાવી દીધું હતું.

વિષ્ણુજીએ ગુસ્સે થઇને રાહુનું માથું ધડથી અલગ કરી દીધું હતું. કેમ કે, રાહુએ પણ અમૃત પી લીધું હતું એટલે તેનું મૃત્યુ થયું નહીં. આ ઘટના બાદ રાહુ ચંદ્રદેવ અને સૂર્યદવેને દુશ્મન માને છે અને સમયે-સમયે આ ગ્રહોને ગ્રહણ લગાવે છે. જેથી આ ઘટનાને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વી ઉપર ચંદ્રનો પડછાયો પડે છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે આ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઈનમાં આવી જાય છે. પૃથ્વીના જે વિસ્તારમાં ચંદ્રનો પડછાયો પડે છે, ત્યાં સૂર્ય જોવા મળતો નથી, તેને જ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

સૂર્યગ્રહણને નરી આંખે જોવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમયે સૂર્યથી જે કિરણો નિકળે છે, તે આપણી આંખો માટે નુકસાનકારક હોય છે. ગ્રહણ સમયે માત્ર મંત્ર જાપ કરવો જોઇએ. આ દરમિયાન પૂજા-પાઠ કરવા નહીં. ગ્રહણ સમાપ્તિ બાદ આખા ઘરની સફાઈ કરવી જોઇએ. ગ્રહણ પહેલાં ખાન-પાનની વસ્તુઓમાં તુલસીના પાન રાખવા જોઇએ. જેને લીધે ગ્રહણના નકારાત્મક કિરણોની અસર થતી નથી.ગ્રહણ પછી પિતૃ દેવતાઓની પૂજા કરવી જોઈએ. આ તિથિએ પિતૃઓને તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે. તો, ગ્રહણના દિવસે દાન-પુણ્યનો પણ
બહુ મોટો મહિમા છે, તેનાથી અનેકગણું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.