કાલોલની હાઇસ્કૂલના ઉપપ્રમુખ, મંત્રી અને શિક્ષક 1 લાખની લાંચ લેતા ઝડપાયા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ તથા એમ.જી.એસ. હાઈસ્કૂલના ઉપપ્રમુખ, મંત્રી અને શિક્ષક રૂ!.૧લાખની લાંચ લેતા ઝડપાતા જિલ્લાના શિક્ષણઆલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. સરકાર દ્વારા શિક્ષિકાનો ઓર્ડર કરાયા બાદ શિક્ષિકાને સ્કૂલમાં હાજર કરવા માટે શાળા સંચાલકો અને શિક્ષકે રૂ!.૩ લાખની લાંચ માંગી હતી.
લાંચ રુશ્વત વિરોધ બ્યૂરોના જણાવ્યા મુજબ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ તથા એમ.જી.એસ. હાઈસ્કૂલ કાલોલના ઉપપ્રમુખ જયંતકુમાર રતિલાલ મહેતા, મંત્રી વીરેન્દ્ર પ્રવિણચંદ્ર મહેતા અને શિક્ષક કિરણસિંહ અનોપસિંહ પુવારની વડોદરા એસીબી દ્વારા ગોઠવાયેલા લાંચના છટકામાં અટકાયત કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે એક શિક્ષિકાની સરકાર દ્વારા ભરતી પ્રક્રિયામાં પસંદગી થયા બાદ આ શિક્ષિકાનો શિક્ષણ સહાયક તરીકે સરકાર દ્વારા સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ, કાલોલ ખાતે નિમણૂંકનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ ઓર્ડરના આધારે શિક્ષિકા કાલોલ કેળવણી પ્રચારિત મંડળ સંચાલિત સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ કાલોલ ખાતે ફરજ ઉપર હાજર થવા પતિ સાથે ગઇ હતી.
આ વખતે મંડળના સભ્યોએ શિક્ષિકા અને તેના પતિ પાસે ડોનેશન તરીકે રૂ!.૩ લાખની માંગણી કરી હતી. શિક્ષિકાના પતિએ ઓછું કરવા વિનંતી કરતા મંડળના સભ્યો રૂ!૧ લાખની લાંચ લેવા સંમત થયા હતાં. બાદમાં લાંચની રકમ જલદી આપી દેવા શિક્ષક કિરણસિંહ અનોપસિંહ પુવાર દબાણ કરતો હતો.
લાંચની રકમ શિક્ષિકા આપવા માંગતી નહી હોવાથી તેને એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે આજે લાંચના છટકાનું આયોજન મદદનિશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એસ.એસ. રાઠોડ તેમજ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવ્યું હતું.
શિક્ષિકાના પતિએ શાળાના શિક્ષક કિરણસિંહનો સંપર્ક કરતા તેઓએ મંડળના ઉપપ્રમુખ જયંત મહેતાની સાથે વાત કરી લાંચની રકમ એમ.જી.એસ. હાઈસ્કૂલ, કાલોલ ખાતે આપી જવા જણાવ્યું હતું. શિક્ષિકાનો પતિ શાળામાં ગયો હતો અને જયંત મહેતાને લાંચની રૂ!.૧ લાખ રકમ આપી સૂચિત ઇશારો કરતાં જ એસીબીની ટીમે એક પછી એક એમ ત્રણેને ઝડપી પાડી ત્રણે સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.