કાલોલ ખાતે વિધવા સહાયના ૩૧૭ લાભાર્થીઓને મંજૂરી હુકમ અને પોસ્ટ પાસ બુકનું વિતરણ

ગોધરા:વિધવા સહાય યોજનાના લાભાર્થીને સહાય મંજૂરી હુકમ મળતાની સાથે જ તેમનું સહાય મેળવવા જરૂરી એવું પોસ્ટ એકાઉન્ટ તાત્કાલિક ખુલી જાય અને પાસબુક મળી જાય તે માટે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોસ્ટ વિભાગના સહયોગથી દરેક તાલુકા મથકોએ વિધવા સહાય કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ શ્રેણીમાં કાલોલ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ વિધવા સહાય કેમ્પમાં ૩૧૭ લાભાર્થીઓને મંજૂરી હુકમો અને પોસ્ટ ખાતાની પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર વિધવા બહેનોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા કટિબધ્ધ છે અને તેથી જ સરકારે ૨૧ વર્ષથી વધુ ઉંમરના પુત્ર ધરાવતી વિધવા માતાઓને પણ વિધવા સહાય યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.
ગોધરાના પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અગાઉ અમુક લાભાર્થીઓ સહાયનો મંજૂરી હુકમ મળ્યા બાદ પોસ્ટ ખાતુ ખોલાવવાનું ભૂલી જતા હતા તો કોઈકવાર ખાતુ ખોલાવવામાં વિલંબ થતો હતો જેને ધ્યાનમાં લઈને તંત્રે મંજૂરી હુકમ મળતાની સાથે જ ખાતુ ખોલી સ્થળ પર જ પાસબુક પણ ઈશ્યુ કરવાની વ્યવસ્થા ઉભી કરી છે. તેમણે આ યોજનાનો લાભ મળી શકે હોય તેવી કોઈ મહિલા લાભથી વંચિત ન રહી જાય તે જોવા ઉપસ્થિતજનોને વિનંતિ કરી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ લાભાર્થી ભાઈ-બહેનો અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.