કાલોલ તાલુકાના ચલાલી ગામે સર્જાયેલ પાણીની સમસ્યાનું તંત્ર દ્વારા નિવારણ
ગોધરા: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામે છેલ્લા થોડાક દિવસથી સર્જાયેલી પાણીની સમસ્યાનું નિવારણ પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને લાવવામાં આવ્યું છે. પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરશ્રી કે.કે.બોદર સહિતના વિભાગના અધિકારીઓની એક ટીમે ચલાલી ગામની મુલાકાત લઈને થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી.
2011ના સેન્સસ અનુસાર 3980 વ્યક્તિઓની વસ્તી ધરાવતા આ ગામનો સમાવેશ નર્મદા નહેર આધારિત પી.એમ3બી જૂથ પાણીપુરવઠા યોજનામાં સમાવિષ્ટ છે. ચલાલી ગ્રામ પંચાયતના કુલ 41 હેન્ડપંપ અને બોર આધારિત 2 મિની પાણી પુરવઠા યોજના કાર્યરત છે. થોડા સમય અગાઉ કાલોલ હેડવર્કસ ખાતે અડાદરા સેક્શનની પંપિગ મશીનરીના કેસિંગમાં ભંગાણ સર્જાયા બાદ બીજા સેટનું પણ ફાઉન્ડેશન તૂટી જતા પંપિગ મશીનરીના બંને સેટ બંધ થઈ જવા પામ્યા હતા.
ફાઉન્ડેશન નવેસરથી બનાવવાની કામગીરીના કારણે મોટરો બંધ રહેતા ચલાલી સહિતના ગામોમાં પી.એમ3બી જૂથ યોજના હેઠળ પાણીપુરવઠો મળવાનું બંધ થયું હતું. કાર્યપાલક ઈજનેરશ્રી બોદરે આ બાબતે જણાવ્યું હતું કે ગ્રામજનોને પડતી તકલીફોને ધ્યાનમાં લઈને વિભાગે ધૂળેટીના દિવસે 2 હેન્ડ પંપ અને 01 મિની પાઈપ યોજના રિપેર કરી પાણીપુરવઠો શરૂ કર્યો હતો. આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ન પહોંચતું હોય
ત્યાં ગ્રામ પંચાયત મારફતે ટેન્કર મારફતે પાણી આપવામાં આવ્યું હતું. તા.11/03/2020ના રોજ પંપિગ મશીનરીનું કામ પૂર્ણ થતા ગામમાં નર્મદા નહેર આધારિત યોજનાનું પાણી આપવાનું પુનઃ શરૂ થઈ ગયેલ છે. પાણીની ટાંકી ફળિયામાં રહેતા મનીષાબેન રમેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે થોડા દિવસ માટે નર્મદાનું પાણી બંધ થતા પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી. જો કે પુરવઠો ફરી ચાલુ થતા હવે સમસ્યા હલ થઈ જવા પામી છે. અજયભાઈ બળવંતસિંહ ચૌહાણ, કનકકુમાર ઉદેસિંહ ચૌહાણ સહિતના ગ્રામજનોએ પીવાના પાણીની સમસ્યા હલ થઈ જવા બાબત સંતોષ અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.