Western Times News

Gujarati News

કાળમૂખા ડમ્પરે ત્રણ વ્યક્તિનો ભોગ લીધો

ખોખરા અનુપમ સિનેમા પાસે રાત્રે અક્સ્માત : રાત્રે જમીને નિત્યક્રમ મુજબ બાઈક ઉપર આંટો મારવા નીકળેલાં બે મિત્રોને ડમ્પર ચાલકે ટક્કર મારી ફુટપાથ ઉપર ચઢાવી દેતાં વૃદ્ધા પણ ચગદાઈ : મૃતક વૃદ્ધાંના દિવ્યાંગ પુત્રને ગંભીર ઈજા : બેકાબૂ બનેલાં ડમ્પરનાં ચાલકે : સંખ્યાબંધ વાહનોનો કચ્ચરધાણ વાળ્યો  ઉશ્કેરાયેલાં ટોળાંની તોડફોડ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનના મુદ્દે નિયમોનો ભંગ કરનાર સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મોટા વાહનો દ્વારા વધુ પ્રમાણમાં અક્સ્માતો થઈ રહ્યાં છે. શહેરમાં યમદૂત બનીને ફરતાં ડમ્પરચાલકો ગંભીર અક્સ્માતો સર્જતાં હોવા છતાં તેઓની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ગઈકાલે રાત્રે શહેરનાં ખોખરા વિસ્તારમાં આવેલાં અનુપમ સિનેમા પાસેનાં ત્રણ રસ્તા નજીક નશામાં ધૂત ડમ્પરાચાલકે અક્સ્માતની હારમાળા સર્જતાં ત્રણ વ્યક્તિનાં  મોત નિપજ્યાં છે જ્યારે સંખ્યાબંધ વાહનોનો કચ્ચરધાણ નીકળી ગયો છે. અકસ્માતનાં પગલે લોકોમાં ભારે રોષ ફેલાતાં ઉશ્કેરાયેલાં ટોળાંએ તોડફોડ કરતાં પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો અને રાત્રિનાં ૩ વાગ્યાં સુધી સ્થળ ઉપર ભારે તંગદીલીનો માહોલ છવાયેલો રહ્યો હતો. પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોમાં બે મિત્રો અને એક આધેડ મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે મૃતક મહિલાનાં પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવારઅર્થે હોસ્પિટલમાં   ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમાં દિવસ દરમ્યાન ભારે ખાનગી વાહનો પ્રવેશવાં પર પ્રતિબંધ છે. આ પરિÂસ્થતિમાં કેટલાંક ડમ્પરચાલકોને પરમીટ આપી છૂટછાટ આપવામાં આવેલી છે. જેને પરીણામે દિવસ દરમ્યાન પણ આવાં ડમ્પરો ફરતાં જાવા મળે છે. થોડા મહિના પહેલાં શહેરના આંબાવાડી વિસ્તારમાં ડમ્પરચાલકે અકસ્માત સર્જી એક વ્યક્તિનો ભોગ લીધો હતો. આ ઉપરાંત પણ અક્સ્માતનાં સંખ્યાબંધ બનાવો બન્યાં છે. તેમ છતાં ડમ્પરચાલકો સામે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ પરિસ્થિતિમાં   શહેરનાં ખોખરા વિસ્તારમાં ગઈકાલે ૧૨ વાગ્યાની આસપાસ એક ચોંકાવનારી ઘટના ઘટી હતી.

શહેરનાં સુખરામનગર પાસેથી પૂરઝડપે પસાર થતું ડમ્પર ખોખરા તરફ જતું હતું. મનીષા ટ્રેડર્સ નામની કંપનીનું આ ડમ્પર ખોખરા અનુપમ સિનેમા પાસે પહોંચ્યું હતું ત્યારે બાઈક ઉપર બે યુવાન મિત્રો પસાર થઈ રહ્યાં હતાં આ દરમ્યાનમાં ડમ્પરચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અમરાઈવાડી વિસ્તારમાં પતરાવાળી ચાલીમાં રહેતાં દીપક હંસરાજભાઈ ખટીક ઉં.વ.૨૦ અને તેનો મિત્ર કમલેશ પ્રેમચંદ ખટીકને ટક્કર મારતાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં દિપકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે કમલેશને ગંભીર ઈજાઓ થઈ હતી.


આ અકસ્માત બાદ ડમ્પરચાલકે નજીકમાં જ આવેલાં લુચ્ચેશ્વર મહાદેવની નજીક ચાલીનાં રસ્તા ઉપર ડમ્પરને ફૂટપાથ પર ચઢાવી દીધું હતું. જેમાં ચાલીના ઝાંપે ફુટપાથ ઉપર સૂતેલી આધેડ મહિલા તારાબેન નંદુભાઈ ઉં.વ.૫૫ તથા તેમનો દિવ્યાંગ પુત્ર રાકેશ નંદુભાઈ ઉપર તોતીંગ ડમ્પરનાં પૈડા ફરી વળ્યાં હતા. જેનાં પરીણામે તારાબેનનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે રાકેશને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં   ખસેડવામાં આવ્યું હતું. બેફામ બનેલાં ડમ્પરચાલકે ચાલીના ઝાંપે પાર્ક કરેલાં ૮થી ૧૦ ટુ વ્હીલરોનો કચ્ચરધાણ વાળી દીધો હતો. અક્સમાતનાં પગલે આસપાસ રહેતાં લોકો દોડી આવ્યાં હતાં. સ્થળ ઉપરનું દૃશ્ય જાતાં નાગરીકો હેબતાઈ ગયાં હતા અને ડમ્પરમાં તોડફોડ કરી હતી.

સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું બીજી બાજુ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતાં. અને ડમ્પરચાલકને ઝડપી લઈ ટોળામાંથી છોડાવ્યો હતો. પોલીસ આવી પહોંચ્યા હોવા છતાં લોકોમાં ભારે રોષ જાવા મળ્યો હતો અને પરિસ્થિતિ  વધુ તંગ જણાતાં આસપાસનાં પોલીસ સ્ટેશનોમાંથી પણ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. બીજીબાજુ ગંભીર રીતે ઘવાયેલાં કમલેશ અને રાકેશને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે એલ.જી. હોસ્પિટલમાં   ખસેડવામાં આવ્યાં હતાં

જ્યાં કમલેશનું હોસ્પિટલમાં   પહોંચતાં મોત નિપજ્યું હતું. આમ આ અક્સ્માતમાં કુલ ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે રાકેશની  હાલત ગંભીર જાવા મળી હતી. ડમ્પરનો ચાલક જ્યંતી મોહન કટારાની પોલીસે ધરપકડ કરી લીધી છે. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અક્સ્માતનાં પગલે રાત્રે ૩ વાગ્યાં સુધી સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ જાવા મળતું હતું. પરંતુ પોલીસનો મોટો કાફલો આવી પહોંચતાં ઉશ્કેરાયેલાં ટોળાંને વિખેરી નાંખવામાં આવ્યાં હતાં. અક્સ્માતનાં પગલે સ્થાનિક સામાજિક કાર્યકર જયેશ મુંઢવા સહિતના આગેવાનો તથા કોંગ્રેસના કોર્પાેરેટર ઈકબાલ શેખ સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.