Western Times News

Gujarati News

કાળી ચૌદશ પ્રસંગે કેમ્પમાં મહાઆરતી માટે આયોજન

Files Photo

અમદાવાદ : કાળી ચૌદશને લઇ અમદાવાદ શહેરના હનુમાનજી મંદિરો અને શનિ મંદિરોમાં વિશેષ પૂજા, હોમ-હવન અને મહાઆરતી સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિર ખાતે તા.૨૬મી ઓકટોબરના રોજ કાળી ચૌદશના પર્વને લઇ સાંજે ૬-૦૦થી ૮-૦૦ દરમ્યાન સુંદરકાંડના પાઠનું વિશેષ આયોજન અને રાત્રે ૧૨-૦૦ વાગ્યે કેમ્પ હનુમાનજી દાદાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પ હનુમાનજી મંદિરમાં આ મહાઆરતી સમગ્ર વર્ષમાં એક જ વખત અને તે પણ કાળી ચૌદશના પર્વ નિમિતે કરવામાં આવતી હોવાથી તેનું બહુ વિશેષ અને ચમત્કારિક મહાત્મ્ય છે. કાળીચૌદશ પર્વને લઇ આર્મી ઓથોરીટી તરફથી રાત્રે ૧૨-૦૦ વાગ્યા સુધી શ્રધ્ધાળુ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

કેમ્પ હનુમાનજી મંદિરમાં કાળીચૌદશની મહાઆરતી બાદ દર્શનાર્થે આવેલા લાખો શ્રધ્ધાળુ દર્શનાર્થીઓને દાદાના ચમત્કારિક કાળા દોરાનું પણ વિતરણ કરવામાં આવશે. દાદાની મહાઆરતી, પૂજાની સાથે સાથે શ્રદ્ધાળુ ભકતો માટે વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ જ પ્રકારે શહેરના બાપુનગર વિસ્તારમાં રખિયાલ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ નાગરવેલ હનુમાનજી મંદિર, થલતેજ ચાર રસ્તા પાસે આવેલા હનુમાનજી મંદિર, અંજનીમાતા મંદિર, એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પર આવેલા મારૂતિ ધામ, ચાણકયપુરી બ્રીજ નીચે આવેલા કષ્ટભંજન દેવ, મેમનગર સુભાષચોક સ્થિત ભીડભંજન હનુમાનજી, સોલા રોડ કાંકરિયા હનુમાનજી સહિતના હનુમાનજી મંદિરોમાં પણ કાળી ચૌદશને લઇ દાદાની વિશેષ પૂજા, હોમ-હવન અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાળીચૌદશને લઇ દાદાના ભકતોમાં પણ ભકિતનો માહોલ છવાઇ રહ્યો છે. દાદાના શ્રદ્ધાળુ ભકતો દ્વારા પોતપોતાના ઘરોમાં તેમ જ પવિત્ર સ્થાનો પર કાળીચૌદશનો દાદાનો ખાસ હોમ-હવન અને પૂજા કરતા હોય અને દાદાના વિશેષ આશીર્વાદ મેળવતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.