કાળી છે, તને કોણ રાખે કહી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/husbandwifefight--scaled.jpeg)
પ્રતિકાત્મક
સીટીએમમાં રહેતી ૩૪ વર્ષીય મહિલા પરિવારને મદદ કરવા નોકરી કરતી જેનો પૂરો પગાર પતિ લઈ લેતો હતો
અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી તેમાં પણ કોરોનાના લોકડાઉન બાદ ઘરેલુ હિંસાના બનાવોએ જાણે કે માજા મૂકી હોય તેમ લાગી રહ્યું છે. રોજ બરોજ દહેજ, પુત્રની ઘેલછા કે પછી અન્ય કારણોસર મહિલા પર અત્યાચારના અનેક બનાવો સામે આવે છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેર માં જાેવા મળ્યો છે.
શહેરના સીટીએમ વિસ્તારમાં રહેતી મહિલાને તેનો પતિ તથા સાસરીયા તું કાળી છે તને કોણ રાખે તેમ કહીને ત્રાસ આપતા મહિલાએ પતિ અને સાસરીયા વિરુદ્ધ શારીરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. હાલમાં સીટીએમ વિસ્તારમાં રહેતી મહિલા ૩૪ વર્ષીય મહિલાના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નની શરૂઆતમાં તેને સારી રીતે રાખ્યા બાદ બે માસ પછી તેના પતિ તથા સાસુ સસરાએ ઘરકામ બાબતે તેને હેરાન કરવાનુ શરૂ કર્યુ હતુ.
મહિલા પરિવારને મદદ કરવા માટે નોકરી કરતી હતી. પરંતુ તેનો પતિ આખો પગાર લઈ લેતો હતો. દરમિયાન મહિલાએ દિકરાને જન્મ આપ્યો હતો, આ સંજાેગોમાં તેને બાળકની જવાબદારી હોવા છંતા પતિ દ્રારા નોકરી કરવા બળજબરી કરવામાં આવતી હતી.
આ બાબતે સાસુ સસરાને વાત કરતા તેઓ પણ કહેતા હતા કે તુ કાળી છે તને કોણ રાખે તારે તો સહન કરવું પડશે તેમ કહી પરેશાન કરતા હતા. મહિલાનો પતિ અલગ અલગ નંબર પર વાત કરતો હોવાથી આ બાબતે મહિલા એ વાત કરતા તેને બિભત્સ ગાળો બોલી માર મારતો હતો.
આ સ્થિતમાં કંટાળી ગયેલી મહિલાને સાસરીયાઓએ ઘરમાંથી ધકકા મારી કાઢી મુકતા તેણે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પતિ સાસુ અને સસરા વિરુદ્ધ શારીરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.