Western Times News

Gujarati News

કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો

વારાણસી, વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદીરમાં દર્શન કરવા માટે હવે ડ્રેસ કોડ લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે દર્શન કરવા માટે વિશેષ પ્રકારના વસ્ત્રો જ પહેરવા પડશે. જોકે આ વ્યવસ્થા માત્ર સ્પર્શ દર્શન કરવા માગતા ભક્તો માટે છે. બીજા લોકો અત્યાર સુધી જેમ દર્શન કરતા હતા એમ જ દર્શન કરી શકશે.

નવી વ્યવસ્થા પ્રમાણે કાશી વિશ્વનાથ મંદીરના દર્શન કરવા માટે ઇચ્છતી મહિલાઓ માટે સાડી અને પુરુષો માટે ધોતીકુર્તા પહેરવાનું ફરજિયાત થઈ ગયું છે. રવિવારે રાત્રે કાશી વિદ્ધત પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે શ્રદ્ધાળુ સવારે ૧૧ વાગ્યે સ્પર્શ દર્શન કરી શકશે. પેન્ટ, શર્ટ તેમજ જિન્સ પહેરનાર લોકો દુરથી જ દર્શન કરી શકશે. આ નવો ડ્રેસ કોડ બહુ જલ્દી લાગુ કરવામાં આવશે. હાલમાં આ વ્યવસ્થા માત્ર ઉજ્જૈનના મહાકાલ મંદીરમાં જ લાગુ કરવામાં આવી છે. હવે આ નિયમ કાશી વિશ્વનાથ મંદીરમાં પણ અમલમાં મુકવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદીર કાશી નગરનું મુખ્ય મંદિર છે. મંદિરની ઉપર સુવર્ણ કળશ ચડાયેલ છે. જેનું લોકાર્પણ પંજાબ નરેશ મહારાજા રણજિતસિંહે કરેલ છે. મંદિરની સામે સભામંડપ છે. મંડપની પશ્ચિમ દિશાએ દંડપાણેશ્વરનું મંદિર છે. સભામંડપમાં ખૂબ મોટો ઘંટ તથા અનેક દેવદેવીની મૂર્તિ છે. મંદિરના પ્રાંગણમાં એક બાજુ સૌભાગ્યગૌરી તથા ગણેશજી બીજી બાજુએ શૃંગારગૌરી અવિમુકતેશ્વર મંદિર તથા સત્યનારાયણદેવનાં મંદિર આવેલાં છે. દંડપાણેશ્વર મંદિરની પશ્ચિમે શનૈશ્ચરાય મહાદેવ છે. દ્વાદશ જ્યોર્તિલિંગમાંનું વિશ્વેશ્વર લિંગ અહીં છે. અહીંની વિશેષતાઓ એ છે કે અહીંના લિંગની બેઠક શંખના આકારની નથી, પરંતુ ચોરસ આકારની છે. આમાંથી પાણી નીકળવાનો કોઇ માર્ગ નથી અને એટલે લોટાથી પાણી ઊલેચી કાઢવું પડે છે. કારતક સુદ ૧૪ તથા મહાશિવરાત્રિના દિવસે વિશ્વેશ્વરનું પૂજન અર્ચન કરનાર કરાવનારનો મોક્ષ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.