કાશી વિશ્વનાથ ધામમાં જર્જરિત ઇમારત તુટી પડતા બેના મોત
વારાણસી: કાશી વિશ્વનાથ ધામમાં આજે સવારે બાંધકામ હેઠળનાં જર્જરિત બે માળનું મકાન ધરાશાયી થતાં બે મજૂરોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતાં અડધો ડઝન જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોની સારવાર શિવપ્રસાદ ગુપ્તા વિભાગીય હોસ્પિટલમાં ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતા આ મજૂરો જર્જરિત મકાનમાં અસ્થાયીરૂપે રહેતા હતા. મંગળવારે સવારે ઘર અચાનક ધરાશાયી થયુ હતુ, જેના કાટમાળમાં તમામ મજૂરો દબાઈ ગયા હતા. બાતમી મળતાં પોલીસની ટીમે બચાવ કામગીરી ચલાવીને તમામને બહાર કાઠ્યા હતા અને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બે મજૂરોને મૃત જાહેર કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, દશાશ્વમેધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વનાથ કોરિડોર માટે ખોદકામ કરવાને કારણે ઘરનો પાયો નબળો પડી ગયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો.
તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહીવટી અધિકારીઓ કહે છે કે પશ્ચિમ બંગાળનાં માલદામાં રહેતા મજૂરો કોરિડોરનાં નિર્માણમાં કામ કરી રહ્યા હતા, તે બધા નજીકની બિલ્ડિંગમાં રહેતા હતા, જર્જરિત બિલ્ડિંગ સવારે ધરાશાયી થઈ હતી, જેમા બે લોકોનાં મોત નીપજ્યાં છે.
કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનાં ગંગા ઘાટનાં કાંઠે સ્થિત જર્જરિત બે માળની ગોયન્કા છાત્રાલયનો કેટલોક ભાગ વહેલી સવારે તૂટી પડતાં વારાણસીમાં મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. છાત્રાલયનો રસોડાનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો. હાલમાં જિલ્લા વહીવટી તંત્ર આ મામલે તપાસ કરવાની વાત કરી રહ્યું છે.
આ અકસ્માત થયો ત્યારે તે સમયે આશરે ૮ મજૂરો સૂઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં બે મજૂરોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૬ ઘાયલ થયાં હતાં. પોલીસ અને એનડીઆરએફની મદદથી તમામને વારાણસીની ડિવિઝનલ હોસ્પિટલ કબીર ચૌરા લાવવામાં આવ્યા હતા. બધા મજૂરો પશ્ચિમ બંગાળનાં માલદાનાં હોવાનું જણાવાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગ પહેલાથી જ જર્જરિત થઈ ગઈ હતી.