કાશ્મીરઃ CRPF જવાન અને 6 વર્ષનાં બાળકનો હત્યારો આતંકી ઠાર
શ્રીનગરઃ શ્રીનગર જિલ્લાના માલબાગમાં સુરક્ષાદળે એક આતંકીને ઠાર માર્યો. આ અથડામણમાં એક જવાન શહીદ પણ થઇ ગયા. માર્યો ગયેલો આતંકી થોડાં દિવસ પહેલાં દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં બિજબેહરામાં CRPFની ટીમ પરનાં આતંકી હુમલામાં સામેલ હતો. જેમાં એક CRPF જવાન શહીદ થયો હતો અને એક 6 વર્ષનાં બાળકનું મોત નિપજ્યું હતું. આ અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે.
સમગ્ર ઘટનાની જાણકારી આપતા IG વિજય કુમારે જણાવ્યું કે, “હજી પણ એક-બે આંતકી આસપાસમાં છુપાયા હોઇ શકે છે. જો કે તેમના ભાગવા માટેનાં તમામ રસ્તાઓ બંધ કરી દેવાયાં છે અને હાલમાં સર્ચ અભિયાન શરૂ છે. હકીકતમાં સુરક્ષાદળોને માલબાગ ક્ષેત્રમાં આતંકીઓ છુપાયાં હોવાંની બાતમી મળી હતી. તેથી 10:15 વાગ્યે સુરક્ષાદળ માલબાગનાં જકૂરા વિસ્તારમાં પહોંચ્યાં. જ્યાં એક સ્કૂલ પાસે જવાનોને કેટલીક શંકાસ્પદ ગતિવિધિ જોવા મળતા જેવાં તેઓ નજીક પહોંચ્યાં કે તુરંત છુપાયેલા આતંકીઓએ જવાનો પર હુમલો કરી દીધો અને ફાયરિંગ કરવા લાગ્યાં. જેમાં એક જવાન શહીદ થઇ ગયો.”