કાશ્મીરમાં એફિલ ટાવર કરતાં પણ ઊંચો બ્રિજ બની રહ્યો છે
નવી દિલ્હી: કાશ્મીરમાં ચિનાબ નદી પર એફિલ ટાવર કરતા પણ ઉંચો રેલ્વે પુલ બની રહ્યો છે જે એફિલ ટાવર કરતા ૩૦ મીટર ઉંચો હશે. આ પુલની ઉંચાઈ ૩૨૪ મીટર છે, જે લગભગ ૮૦ માળની ઈમારત સમાન છે. કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ બની રહ્યો છે. જેનું કામ પૂર્ણ થવાના આરે છે. ભારતીય રેલ્વે દ્વારા આ પુલ તૈયાર થયા બાદ પેરિસના એફિલ ટાવર કરતા પણ ૩૦ મીટર ઉંચો હશે. લગભગ ૧૩૧૫ મીટર લાંબા આ પુલની કિંમત રૂ. ૧૨૫૦ કરોડ આંકવામાં આવી રહી છે. ચિનાબ નદી પર બની રહેલો સૌથી ઉંચો પુલ ભૌગોલિક સ્થિતિઓના કારણે એંજિનિયરિંગ માટે એક ખૂબ જ મહત્વના કાર્ય તરીકે જાેવામાં આવી રહ્યું છે.
ભારતીય રેલ્વે અનુસાર આ પુલ પર અઢીસો કિલોમીટર પ્રતિ ગતિથી હવા ચાલે તો પણ કોઈ અસર નહીં થઈ શકે, કાશ્મીરમાં તાપમાન -૨૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય તો પણ તે આટલી જ મજબૂતાઈથી ટકીને રહેશે. જેથી આ પુલ કોઈપણ ઋતુમાં સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ચિનાબ નદી પર નિર્માણ પામી રહેલો માત્ર આ પુલ જ નહીં
પરંતુ, દેશના અનેક જગ્યાઓ પર આ પ્રકારના પુલ બનાવવામાં આવ્યા છે. બાંદ્રા-વર્લી સી લિંક આવો જ એક પુલ છે. આ પુલ દેશનો પ્રથમ ૮ લેન બ્રિજ હોવાની સાથે સાથે સૌથી લાંબો સમુદ્રીય પુલ છે. આ બે સ્થળ વચ્ચેનું અંતર કાપતા ૪૫ મિનિટ જેટલો સમય લાગતો હતો, ત્યારે આ અંતર હવે માત્ર ૬ મિનિટમાં કાપી શકાય છે. અસમ અને અરુણાચલ પ્રદેશને જાેડતો ઢોલા-સદિયા પુલ ભારતનો સૌથી લાંબો પુલ છે. આ પુલને ભૂપેન હજારિકા પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લગભગ ૯.૧૫ કિલોમીટર લાંબા આ પુલનું લોહિત નદી પર નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુલની મદદથી અસમ અને અરુણાચલ પ્રદેશનું અંતર કાપવામાં લગભગ ૪૦ કલાકનો સમય ઓછો થઈ ગયો છે તથા ૬૦ ટન વજન ધરાવતી ટેંક પણ તેના પરથી સહેલાઈથી પસાર થઈ શકે છે. આ જ રીતે રાવી નદી પર બનેલ અટલ સેતુ પંજાબને જમ્મુ-કશ્મીર અને હિમાચલ પ્રદેશ સાથે જાેડનાર કેબલ પુલ પણ એંજિનિયરિંગના મહત્વના કામરૂપે જાેવામાં આવે છે. આ પુલનું નિર્માણ થયા બાદ જમ્મુ-કશ્મીરથી બાશોલીથી પંજાબના દુનેરા વચ્ચેનો સમય ૫ કલાકથી ઘટીને માત્ર અડધો કલાક થઈ ગયો છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે આ પુલને અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યો હતો.