કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદીનું એક વર્ષ પૂર્ણ થયું

પ ઓગસ્ટે અમુક ગ્રૂપ બ્લેક-ડે મનાવવાની તૈયારી કરે છે
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવી તે વાતને એક વર્ષ થઈ ગયું છે. આને ધ્યાનમાં રાખીને મંગળવાર અને બુધવારે અહીં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.તંત્રને માહિતી મળી છે કે, ભાગલાવાદી અને પાકિસ્તાન સમર્થિત લોકો વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેથી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓફિસ તરફથી સોમવારે રાત્રે અહીં કર્ફ્યુનો આદેશ આપવામાં આવ્યો છે. પાંચમી ઓગસ્ટે અમુક ગ્રૂપ બ્લેક-ડે મનાવવાની તૈયારી કરી રહ્યા છે. હિંસા થવા અને જાન-માલને નુકસાન થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં ૨ દિવસનો કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. જોકે કોરોનાના કારણે આ વિસ્તારમાં પહેલેથી જ અમુક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશો લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં વહેંચી દેવામાં આવ્યા છે. ત્યારે ફારુખ અબ્દુલા, ઓમર અબ્દુલા સહિત મોટાભાગના નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા હતા. તેમાંથી ઘણાં નેતાઓને અત્યારે છોડી દેવામાં આવ્યા છે, જ્યારે હજી અમુક લોકોને નજરકેદ રાખવામાં આવ્યા છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની નજર કેદ વધુ ૩ મહિના વધારી દેવામાં આવી છે.
ગયા વર્ષે કલમ ૩૭૦ હટાવવામાં આવી હતી. તે દિવસે રાતે જ મહેબૂબા મુફ્તીની અટકાયત કરવામાં આવી છે. મોટા નેતાઓમાં માત્ર મહેબૂબા મુફ્તી જ બચ્યા છે જે હજી સુધી નજરકેદ છે. તેમની સાથે જ અટકાયત કરવામાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલા અને ઓમર અબ્દુલાને છોડી દેવામાં આવ્યા છે. ફારુખને ૧૫ માર્ચે અને ઓમરને ૧૦ દિવસ પછી એટલે કે ૨૫ માર્ચે મુક્ત કરવામાં આવ્યા છે.