કાશ્મીરમાં ૧૨ કલાકમાં બે એન્કાઉન્ટર જૈશ કમાંડર ઠાર
કાશ્મીરમાં જૈશ કમાંડર સહિત પાંચ આતંકી ઠાર -માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા
(એજન્સી) શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૧૨ કલાકમાં સુરક્ષા દળો સાથે આતંકવાદીઓના બે એન્કાઉન્ટર થયા છે. જેમાં સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. આ પાંચ આતંકવાદીઓમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ઝાહિદ વાની અને એક પાકિસ્તાની આતંકવાદીનો સમાવેશ થાય છે.
માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. આ બંને એન્કાઉન્ટર પુલવામા અને બડગામમાં થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના ૈંય્ વિજય કુમારે માહિતી આપી છે કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ૫ આતંકવાદીઓ ૧૨ કલાકમાં બે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
તેમાં જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર પણ હતો. તેમના જણાવ્યા પ્રમાણે, આ અમારા માટે મોટી સફળતા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામાના નાયરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની બાતમી પર કાર્યવાહી કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી ઓપરેશન શરૂ કર્યું.
જ્યારે સુરક્ષાકર્મીઓ સર્ચ કરી રહ્યા હતા ત્યારે, છુપાયેલા આતંકીઓએ તેમની પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું કે, બંને તરફથી અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ૪ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
બીજી તરફ, બડગામ જિલ્લાના ચારાર-એ-શરીફ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વધુ એક અથડામણ થઈ. આ અથડામણમાં વધુ એક આતંકી માર્યો ગયો છે. આતંકીઓ પાસેથી એક છદ્ભ-૪૭ રાઈફલ મળી આવી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીએ પોલીસ જવાનને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. આતંકવાદીના ફાયરિંગમાં પોલીસ જવાન શહીદ થયાનું જમ્મુ-કાશ્મીર પોલીસે નિવેદન આપ્યું હતું. આતંકવાદીઓને પકડી લેવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે આપેલી વિગતો પ્રમાણે અનંતનાગમાં આતંકવાદીએ પોલીસ જવાન ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલી મોહમ્મદ ગની ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં તેઓ શહીદ થયા હતા.