કાશ્મીરીબાપુને તેમના આશ્રમ ‘આમકુ’ ખાતે સમાધિ આપવામાં આવી

શ્રીનગર, ગિરનાર તળેટી જંગલમાં આમકુ ખાતે આવેલા આશ્રમના મહંત કાશ્મીરીબાપુનું ગઈકાલે 97 વર્ષની વયે અવસાન થયું હતું. પાર્થિવદેહને અંતિમદર્શન માટે રખાયા બાદ આજે બપોરના સમયે આશ્રમમાં જ શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપવામાં આવી હતી. આ સમયે ઉપસ્થિત સંતો-મહંતો અને સેવકોની આંખો ભીંજાઈ હતી.
ગિરનારમાં વર્ષો સુધી દત્ત અને દાતારની તપોભૂમિમાં તપ અને સાધના કરીને હજારો-લાખો સેવકોના દિલમાં રહેતા એવા કાશ્મીરીબાપુના હુલામણા નામથી પ્રચલિત થયેલા બાપુનું મુળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજનદેવ હતું. તેઓ વર્ષોથી ગિરનાર તળેટી જંગલ વિસ્તારમાં આવેલ આમકુ ખાતેની જગ્યાના મહંત તરીકે સેવા-પૂજા કરતા હતા.
કાશ્મીરી બાપુનો એક જ જીવનમંત્ર હતો “માનવ સેવા એ જ પ્રભુ સેવા”. આ મંત્રને સાર્થક કરવા માટે બાપુએ આશ્રમ ખાતે આવતા સેવકો, ભક્તો અને યાત્રાળુઓને ક્યારેય પ્રસાદી લીધા વગર જવા નથી દીધા. આશ્રમમાં સતત અન્નક્ષેત્ર ચાલુ રાખીને ભૂખ્યાઓની આંતરડી ઠારવાનું કર્મ કર્યું છે.
યુવાનીમાં તેઓ દાતારની જગ્યાએ પટેલ બાપુના સમયમાં જંગલના રસ્તે ચાલીને દાતાર જતા હતા. તેમજ દત્ત શિખર પર જવાનો તેમનો નિત્યક્રમ હતો.
પરંતુ તેમની ઉંમરના કારણે ગત મહીને તેઓની તબિયત લથડી હતી અને તેઓને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બાપુને ફેફસામાં હવા ભરાઈ જવાના કારણે પંચર પડી જતા અહી તબીબોની ટીમે તેઓની 12 દિવસ સુધી સારવાર કરીને સ્વસ્થ કર્યા હતા અને હજુ ચાર દિવસ પહેલા જ તેઓને રજા આપવામાં આવી હતી.