કાશ્મીર અંગે યુએસની નીતિમાં કોઈ ફેરફાર નહીં આવે : બાઈડેન
વોશિંગ્ટન: દાદાગીરી કરતા ચીનને જાેરદાર ફટકાબાજી કર્યા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને પાકિસ્તાનને બરાબરનો આંચકો આપ્યો છે. બાઈડેને સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર અંગે તેમની નીતિમાં કોઈ ફેરફાર નહીં આવે. પાકિસ્તાન એવી આશા રાખીને બેઠું હતું કે
અમેરિકામાં સત્તા પરિવર્તન આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીર અંગે અમેરિકાની નીતિમાં તેમના મુજબ ફેરફાર આવશે કારણ કે બાઈડેનના પાકિસ્તાન સાથે સારા સંબંધ રહ્યા છે. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિએ એક જ ઝટકે પાકિસ્તાનની આશાઓ વેરવિખેર કરી નાખી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું કે તેમની જમ્મુ અને કાશ્મીર અંગેની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે જ અમેરિકાએ કાશ્મીર ખીણમાં ૪જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બહાલ કરવાનું સ્વાગત કર્યું છે.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જમ્મુ કાશ્મીરને લઈને અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ અગાઉ અમેરિકી વિદેશ મંત્રાલયના દક્ષિણ અને મધ્ય એશિયા બ્યૂરોએ ટ્વીટ કરીને જમ્મુ કાશ્મીરમાં ૪જી ઈન્ટરનેટ સુવિધા બહાલ કરવાનું સ્વાગત કર્યું છે.
ટ્વીટમાં કહેવાયું છે કે ભારતના જમ્મુ અને કાશ્મીરમાં ફોર જી ઈન્ટરનેટ સુવિધા બહાલ કરવાનું અમે સ્વાગત કરીએ છીએ. તે સ્થાનિકો માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને અમે રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે રાજનીતિક અને આર્થિક પ્રગતિ ચાલુ રાખવા માટે આશાવાન છીએ.
સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં પાંચ ફેબ્રુઆરીથી ફોર જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા પુનઃ બહાલ કરવામાં આવી છે. ઓગસ્ટ ૨૦૧૯ માં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્ય દરજ્જાે હટાવીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં રાખતા ૪જી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી.
રાજ્યમાં ઈન્ટરનેટની સ્પીડ ઓછી હોવાના કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જાે કે આ પગલાએ આતંકી નેટવર્કને નબળું કરવામાં ખુબ મોટી ભૂમિકા ભજવી. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર અમેરિકાના નિવેદન પર નિરાશા વ્યક્ત કરી છે. પાકિસ્તાનને એ વાત ઉપર પણ મરચા લાગ્યા છે
કે અમેરિકાએ ૪જી નેટવર્ક બહાલી અંગે કરેલી ટ્વીટમાં જમ્મુ અને કાશ્મીરને ભારતનો હિસ્સો માન્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના દરજ્જાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અનેક પ્રસ્તાવોમાં અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા વિવાદિત માનવામાં આવ્યું છે. આવામાં આ ઉલ્લેખ અસંગત છે. પાકિસ્તાને જાે બાઈડેનને પોતાના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન હિલાલ એ પાકિસ્તાનથી નવાઝેલા છે.
આ સન્માને તેમને સતત પાકિસ્તાનનું સમર્થન કરવા માટે મળ્યું હતું. અત્રે જણાવવાનું કે ૨૦૦૮માં જ્યારે બાઈડેનને આ સન્માન મળ્યું તો તેના થોડા મહિના પહેલા જ બાઈડેન અને સેનેટર રિચર્ડ લુગર પાકિસ્તાનને દર વર્ષે દોઢ મિલિયન ડોલરની બિન સૈન્ય મદદનો પ્રસ્તાવ લાવ્યા હતા. લુગરને પણ હિલાલ એ પાકિસ્તાન આપવામાં આવ્યો હતો.
આ સાથે જ બાઈડેને કાશ્મીર અંગે પણ પાકિસ્તાનને ગમે તેવા નિવેદનો આપ્યા હતા. આથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને આશા હતી કે અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ જાે બાઈડેનનો ઝૂકાવ તેમના પ્રત્યે રહેશે. બાઈડેનની જીત પર પાકિસ્તાને ખુશી પણ વ્યક્ત કરી હતી. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિએ તેમની આ ખુશી હવે એક ઝટકે ગાયબ કરી દીધી છે.