કાશ્મીર: આતંકી સમજી પોલીસ કર્મીએ પોતાના જ સાથીને ગોળી મારી દેતા મોત
શ્રીનગર, ઉત્તર કાશ્મીરના હંદવાડામાં એક મંદિરની સુરક્ષામાં તૈનાત એક પોલીસ કર્મી પર તેના જ સાથીએ આતંકી સમજીને ગોળી મારી હતી. ગોળી લાગતા જ તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. પોલીસે આ ઘટનાની તપાસના આદેશ જાહેર કર્યા છે. ગોળી ચલાવનારા પોલીસ કર્મીની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેની રાઇફલ પણ તપાસ માટે જપ્ત કરવામાં આવી છે.
સબંધિત પોલીસ અધિકારીઓએ આ મામલે જાણકારી આપતા જણાવ્યુ કે આ ઘટના મંગળવાર મોડી રાત્રે લંગેટ, હંદવાડામાં બની છે. ત્યા એક મંદિરની સુરક્ષા માટે પોલીસનો એક કાફલો તૈનાત છે.
આ કાફલામાં ફાલોઅર તરીકે અજય ધર પણ તૈનાત હતા. સાંજ થતા જ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે, કારણ કે આ વિસ્તાર આતંકીઓ પ્રભાવિત છે. મંગળવાર રાત્રે અજય ધરે મંદિરમાં બળજબરી દાખલ થવાનો પ્રયાસ કર્યો હતો. ડ્યૂટી પર તૈનાત પોલીસ કર્મીએ તેને વારંવાર ચેતવણી આપતા પોતાની ઓળખ જણાવવા કહ્યુ હતુ.
ધરે આ ચેતવણીનો કોઇ જવાબ આપ્યો નહતો, જેની પર પોલીસ કર્મીએ તેને આતંકી સમજીને ગોળી મારી હતી. ગોળી લાગતા જ પોલીસ કર્મી જમીન પર પડી ગયો હતો. તે બાદ ઘટનાસ્થળે પહોચેલા પોલીસ કર્મીઓએ જ્યારે તેના ચહેરાને જોયો તો તેની ઓળખ થઇ હતી. લોહીથી લથપથ અજય ધરને તે સમયે સારવાર માટે જિલ્લા હોસ્પિટલ હંદવાડા લઇ જવામાં આવ્યો હતો.
હંદવાડામાં ડોક્ટરોએ તેને પ્રાથમિક સારવાર બાદ શેર-એ-કાશ્મીર આયુર્વિજ્ઞાન હોસ્પિટલ શ્રીનગર મોકલી દીધો હતો, જ્યા તેનું મોત થયુ હતુ. સબંધિત પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે અજય ધરના કાનમાં મોબાઇલ ફોનનો હેડફોન લગાડેલો હતો, જેને કારણે તે ચેતવણી સાંભળી શક્યો નહતો અને અંધારૂ હોવાને કારણે તેને આતંકી સમજી લીધો હશે. આ ભૂલમાં ગોળી ચાલી હતી.