કાશ્મીર મોરચો સળગતો રાખવા પાકિસ્તાને નવું આતંકી સંગઠન ઊભું કર્યું
નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી હતી, જેની જવાબદારી લશ્કર-એ-તૈયબાના પેટાસંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’એ લીધી હતી. રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામ ભલે નવું હોય, પરંતુ તેના આતંકી કારનામા અગાઉનાં સંગઠનો જેવા જ છે.
અગાઉ કાશ્મીર મોરચે જૈશે મહંમદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવાં સંગઠનો કાર્યરત હતા, પરંતુ આ દરેક સંગઠનની પાકિસ્તાન સાથેની સાઠગાંઠ ખુલ્લી પડી ગઈ હોવાથી પાકિસ્તાને નવા સંગઠનના નામે દુનિયાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો છે.
કેન્દ્ર સરકારે ગત ઓગસ્ટમાં કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી એ જ અરસામાં આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નું લોન્ચિંગ થયું હતું. ત્યાર પછી ઘાટીમાં મોટી આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે પાકિસ્તાન ખાતે આવેલા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ ટોપ આતંકીઓ દ્વારા આ સંગઠનને ઊભું કર્યું હતું. ઘણા જાણકારોનું માનવું છે કે આ સંગઠનને ઊભું કરવામાં જૈશ અને મુજાહિદ્દીનના રીઢા આતંકીઓ પણ સામેલ છે.
પાકિસ્તાન પર STFના બ્લેક લિસ્ટમાં જવાથી બચવા માટે એક પ્રકારે આંતરરાષ્ટ્રીય દબાણ હતું. આ જ કારણ છે કે પાકિસ્તાને ઘાટીમાં આતંકીઓને એક નવો ચહેરો આપવાનો પ્રયાસ કર્યો અને ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ને ઊભું કર્યું, જેથી દુનિયાની નજરથી બચી શકાય.