કાશ્મીર-CAAને કારણે ભારતને મોટો ફટકો, ડેમોક્રેસી ઇંડેક્સમાં 10 સ્થાને
નવી દિલ્હી, ભારત ડેમોક્રેસી ઇંડેક્સમાં 10 સ્થાન નીચે 51મી પોઝિશન પર આવી ગયુ છે. ‘ધ ઇકોનોમિસ્ટ ઇંટેલિજન્સ યૂનિટ (ઇઆઇયુ)એ 2019 માટે 162 દેશોની ડેમોક્રેસી યાદી જાહેર કરી છે. આ રિપોર્ટ અનુસાર કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાને કારણે ભારતની ડેમોક્રેસી સ્કોરમાં ઘટાડો થયો છે. યાદી અનુસાર ભારતનો કુલ અંક 2018માં 7.23 હતો જે હવે ઘટીને 6.90 રહી ગયો છે.
ધ ઇકોનોમિસ્ટે 2006માં ડેમોક્રેસી ઇંડેક્સ જાહેર કરવાનું શરૂ કર્યુ હતુ, ત્યારથી અત્યાર સુધી 13 વર્ષમાં આ ભારતનો સૌથી ઓછો ડેમોક્રેસી સ્કોર છે. 2014માં આ સૌથી વધુ 7.92 હતું. ડેમોક્રેસી ઇંડેક્સ ચૂંટણી પ્રક્રિયા અને અનેકતાની સ્થિતિ, સરકારની કાર્યપ્રણાલી, રાજનીતિક ભાગીદાર, રાજકીય સંસ્કૃતિ અને સામાજિક સ્વતંત્રતા જેવા 5 બિંદુઓના આધાર પર જાહેર કરવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર, આ તમામ બિંદુઓના આધાર પર જોવામાં આવે તો વર્ષ 2019 ભારત માટે ઉથલ-પાથલ ભર્યુ રહ્યું હતું. ભાજપ સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી. નાગરિકતા સંશોધન કાયદો લાગુ કર્યો. સરકારના આ ઐતિહાસીક નિર્ણયોએ રાજકીય ટકરાવ ઉભો કર્યો. CAAને આખા દેશમાં ભેદભાવ ધરાવતા કાયદા તરીકે જોવામાં આવ્યો. આ બધાની અસર 2019માં ભારતમાં સામાજિક સ્વતંત્રતા અને તેની લોકતાંત્રિક સ્થિતિ પર પડી હતી.
આ વચ્ચે ચીન 2019માં ઘટીને 2.26 અંકો સાથે હવે 153માં સ્થાન પર છે. આ વૈશ્વિક રેન્કિંગમાં નીચેના રેન્કની નજીક છે. ઉભરતી બીજી અર્થવ્યવસ્થામાં બ્રાઝીલ 6.86 અંક સાથે 52માં સ્થાન પર છે જ્યારે રશિયા 3.11 અંક સાથે યાદીમાં 134માં સ્થાન પર છે. આ વચ્ચે પાકિસ્તાન કુલ 4.25 અંક સાથે યાદીમાં 108માં સ્થાન પર છે. શ્રીલંકા 6.27 અંક સાથે 69માં અને બાંગ્લાદેશ 5.88 અંક સાથે 80માં સ્થાન પર છે. નોર્વે આ યાદીમાં ટોપ પર છે જ્યારે ઉત્તર કોરિયા 167માં સ્થાન સાથે સૌથી નીચે છે.