કાસિમ યુથ વન ડેમાં એક જ મેચમાં સદી ફટકારી પાંચ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર
ઇસ્લામાબાદ, આઇસીસી અંડર-૧૯ વર્લ્ડ કપમાં પાકિસ્તાનનાં કેપ્ટન કાસિમ અકરમે એવું કરી બતાવ્યું જે યુવા વન ડે ઈન્ટરનેશનલનાં ઈતિહાસમાં કોઈ ખેલાડી કરી શક્યો નથી. કાસિમ યુથ વન ડે ઈન્ટરનેશનલમાં એક જ મેચમાં સદી ફટકારનાર અને પાંચ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.
શ્રીલંકા સામે ૫માં સ્થાનની પ્લેઓફ મેચમાં, કાસિમે પહેલા ૮૦ બોલમાં અણનમ ૧૩૫ રન ફટકાર્યા અને પછી બોલિંગ દરમિયાન ૩૭ રન આપીને પાંચ વિકેટ લીધી. આ મેચમાં કાસિમે એકલાએ જેટલા રન બનાવ્યા હતા તેટલા રન શ્રીલંકાની ટીમ એકસાથે કરી શકી નથી.
પાકિસ્તાને આ મેચ ૨૩૮ રનનાં વિશાળ અંતરથી જીતી લીધી હતી. મોહમ્મદ શહઝાદ અને હસીબુલ્લા ખાને મળીને પાકિસ્તાનને શાનદાર શરૂઆત અપાવી અને બંનેએ ૧૩૪ રનની ભાગીદારી નોંધાવી, હસીબુલ્લાહનાં આઉટ થયા બાદ કાસિમ ક્રીઝ પર આવ્યો અને પછી ફેવિકોલની જેમ ક્રિઝ પર અટકી ગયો. કાસિમે ૮૦ બોલમાં ૧૩ ચોક્કા અને ૨ છક્કાની મદદથી અણનમ ૧૩૫ રન બનાવ્યા હતા.
કાસિમે કેટલાક એવા શોટ્સ રમ્યા, જેને જાેઈને બધા દંગ રહી ગયા. હસીબુલ્લાહની વાત કરીએ તો તેણે ૧૩૬ રનનું યોગદાન આપ્યું હતું.
આ રીતે પાકિસ્તાને ૫૦ ઓવરમાં ત્રણ વિકેટે ૩૬૫ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ ૧૨૭ રનમાં સમેટાઈ ગઈ હતી.
કાસિમે શ્રીલંકાની ઇનિંગનાં પહેલા જ બોલ પર ચામિંડુ વિક્રમસિંઘેને પેવેલિયન પરત મોકલ્યો હતો. કાસિમે ૧૦ ઓવરમાં ૩૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. વિક્રમસિંઘે ઉપરાંત તેણે પવન પતિરાજા, શેવોન ડેનિયલ, સદિશા રાજપક્ષે અને રૂનુદા સોમરત્નેને આઉટ કર્યા હતા. શ્રીલંકાનાં ટોપ-૫ બેટ્સમેનો કાસિમનો શિકાર બન્યા હતા.HS